Mumbai

ખાંડના ભાવ વધ્યા તેથી ખેડૂતોને ફાયદોઃ મહારાષ્ટ્રના કૃષિ મંત્રી

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં ખાંડના ભાવ કિલોદીઠ 75-80 રૂપિયા થતાં ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ છે. જોકે, મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણે આ ભાવવધારાથી ખુશ છે. તેમણે જણાવ્યું કે, ભાવ વધવાથી શેરડી ઉત્પાદક ખેડૂતો અને સ્ટોક ધરાવતી સુગર ફેક્ટરીઓને ફાયદો થશે. જોકે, તેમણે સ્વીકાર્યું કે મોટાભાગની ફેક્ટરીઓ પાસે બેંકના દેવાને કારણે સ્ટોક નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાંડના ભાવ વધ્યા તેથી ખેડૂતોને ફાયદોઃ મહારાષ્ટ્રના કૃષિ મંત્રી

મુંબઈ : ખાંડના ભાવ કિલોદીઠ ૭૫થી ૮૦ રુપિયે પહોંચતાં સામાન્ય માણસો માટે ખાંડ કડવી બની છે પરંતુ બીજી તરફ મહારાષ્ટ્રના કૃષિ પ્રધાને એ બાબતે રાજીપો વ્યક્ત કર્યો છે કે ખાંડના ભાવ વધતાં મહારાષ્ટ્રના શેરડી ઉત્પાદક ખેડૂતોને તથા વધારાનો સ્ટોક હોય તેવી સુગર ફેક્ટરીઓને ફાયદો થવાનો છે.
એનસીપી-એપીના ધારાસભ્ય તથા રાજ્યના કૃષિ પ્રધાન દત્તાત્રય ભરણે પુણેના ઈન્દાપુર બેઠકના ધારાસભ્ય છે. તેમણે એવી ખુશાલી વ્યક્ત કરી હતી કે ખાંડના ભાવવધારાથી મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થઈ જશે. તેમણે કહ્યું હતું કે જે ખાંડ ફેક્ટરીઓ પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક હશે તેમને પણ ફાયદો મળવાનો છે. જોકે, તેમણે દાવો કર્યો હતો કે આમ તો બેન્કોનાં કરજભારણને લીધે મોટાભાગનાં સાકર કારખાનાં પાસે સ્ટોક રહ્યો જ નથી.
મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ વિશે તેમણે કહ્યું હતું કે રાજ્યના અમુક વિસ્તારોમાં જ સારો વરસાદ પડયો છે. અમુક ભાગોમાં મુશળધાર વરસાદ પડયો હતો અને અમુક ભાગ વરસાદ વિના સાવ કોરા રહી ગયા છે. ડેમોમાં પાણીનો સંગ્રહ થયેલો છે. પરંતુ નહેર વાટે પાણી પહોંચાડવાની વહન ક્ષમતા મર્યાદિત હોવાથી જરૂરિયાત મુજબ બધે પાણી પહોંચાડી નથી શકાતું. એટલે સારો વરસાદ પડે માટે વિઠોબાને વિનવણી કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
હવે સારો વરસાદ થશે અને તળાવો ભરાઈ જશે ત્યારે ખેડૂતોને રાહત થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.