પીએમ મોદીના કાર્યક્રમ સ્થળે આગલી સાંજે નકલી પીએમઆ ઓફિસર , સશસ્ત્ર ગાર્ડ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પીએમની ઈવેન્ટ સાથે કોઈ લેવાદેવા નહિ હોવાની પોલીસની સ્પષ્ટતા
ખારના ડ્રોન બિઝનેસમેન રોહન પારેખ પાસેથી પીએમઓ અધિકારીનું નકલી આઈકાર્ડ મળ્યું ઃ બોડીગાર્ડ પાસે લાયસન્સવાળી ગન હતી
પીએમ મોદીની ઈવેન્ટ હતી તે જ બિલ્ડિંગમાં આવેલા મોલની ઘટનાથી સિક્યુરિટી એજન્સીઓમાં દોડધામ
મુંબઈ - મુંબઈના બીકેસીમાં આજે યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈવેન્ટના આગલા દિવસે ગઈકાલે સાંજે આ ઈવેન્ટ જે બિલ્ડિંગમાં હતી ત્યાં જ આવેલા મોલમાં પીએમઓના અધિકારી હોવાનો દાવો કરી બંદૂકધારી બોડીગાર્ડ સાથે પ્રવેશ કરનારા ૨૪ વર્ષીય એક યુવક રોહન પારેખ તથા તેના કથિત બોડીગાર્ડ દિલીપ કુંડેની ધરપકડ કરાઈ હતી. જ્યારે તેમનો ત્રીજો સાગરિત પ્રથમેશ વાગુલની શોધખોળ હાથ ધરાઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે સાંજે બીકેસી જિયો વર્લ્ડ પ્લાઝામાં રોહન પારેખે પહેલાં એન્ટ્રી લીધી હતી. તેની પાછળ પાછળ દિલીપ કુંડે ગન લઈને આવ્યો હતો. જોકે, મેટલ ડિટેક્ટરમાં ચેકિંગ વખતે દિલીપ કુંડે પાસે ગન જણાતાં તેને અટકાવાયો હતો. મોલના સિક્યુરિટી સ્ટાફે રોકવા છતાં તેણે ગન સાથે પ્રવેશવા આગ્રહ રાખ્યો હતો અને પોતે બોડીગાર્ડ તરીકે આવ્યાનું જણાવ્યું હતું. દિલીપની પહેલાં જ આગળ પ્રવેશી ચૂકેલા રોહને સિક્યોરિટી પાસે જઈ પોતે પીએમઓનો અધિકારી છે તેવી દમદાટી આપી હતી અને પોતાનું આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું. જોકે, તેના આઈડી કાર્ડ પર આ કાર્ડ કઈ મુદ્દત સુુધી માન્ય છે તેની વિગત જ ન હતી. કાર્ડ જારી કરનાર ઓથોરિટીની સહી હતી પરંતુ હોદ્દો દર્શાવાયો ન હતો. રોહન પારેખ પીએમઓમાં સી કેટેગરીનો અધિકારી હોવાનો કાર્ડમાં ઉલ્લેખ હતો. જોકે, આ કાર્ડ નકલી હોવાની શંકા જતાં પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ૨૪ વર્ષીય રોહન પારેખ તથા તેના ૪૦ વર્ષીય બોડીગાર્ડ દિલીપ કુંડેની તત્કાળ ધરપકડ કરી હતી. દરમિયાન , દિલીપ કુંડે પાસેની ગન લાયસન્સ પ્રાપ્ત હોવાનું જણાયું હતું.જોકે, આ લાયસન્સ નાશિક ગ્રામ્ય વિસ્તાર પૂરતું જ મર્યાદિત હતું. ૦.૩૨ બોરની ગન સાથે કારતૂસ પણ તેની પાસેથી જપ્ત કરાયા હતા. દિલીપ કુંડે એક્સ સર્વિસમેન હોવાનું કહેવાય છે. ૨૪ વર્ષીય રોહન ખારનો રહેવાસી છે અને ડ્રોનનો બિઝનેસ ચલાવે છે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
બીજી તરફ પીએમની જ્યાં ઈવેન્ટ હતી તે જ બિલ્ડિંગમાં ઓવલા મોલમાં પીએમઓના અધિકારી તરીકેની નકલી ઓળખ દ્વારા ગન સાથે પ્રવેશનો કિસ્સો પ્રકાશમાં આવતાં સિક્યોરિટી એજન્સીઓ પણ એલર્ટ થઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે પણ સમગ્ર કેસની તપાસ ચાલુ કરી હતી. ઉલ્લેખનીય છે કે આજની સાંજની પીએમની ઈવેન્ટ માટે ગઈકાલથી જ જિયો વર્લ્ડ સેન્ટર તથા આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન બંદોબસ્ત ગોઠવાઈ ચૂક્યો હતો.
મુંબઈ પોલીસે આજે સ્પષ્ટતા કરી હતી કે આ કિસ્સાને પીએમની ઈવેન્ટ કે પીએમની સિક્યુરિટી સાથે કશું લાગતું વળગતું નથી. પરંતુ, પીએમની ઈવેન્ટનાં સ્થળે જ આવેલા મોલમાં પીએમઓના પદાધિકારી તરીકેની નકલી ઓળખ આપી ગન સાથે પ્રવેશનો પ્રયાસ કરાયો હોવાથી સમગ્ર બનાવને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.
મોલ સિક્યુરિટી દ્વારા ફરિયાદ બાદ બીકેસી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમો હેઠળ 'જાહેર સેવક હોવાનો ઢોંગ કરવો અને ઘાતક શ સાથે ગેરકાયદેસર પ્રવેશ સંબંધિત એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે ત્રણ જણની ધરપકડ કરી છે.




