Mumbai

નકલી નોટો જમીનના સોદાથી માંડીને જુગારમાં વપરાતી હોવાની શંકા

By GS Team
14 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વિરારના શિરસાડમાંથી 51 વર્ષીય પ્રદીપ પાટિલને 97.91 લાખની 500 રૂપિયાની નકલી નોટો સાથે ઝડપ્યો છે. આ નોટો પાલઘરના વાડા વિસ્તારમાં બની હતી. આરોપી 5 કરોડની નકલી નોટો બજારમાં લાવવાનો હતો. આંતરરાજ્ય ગેંગની સંડોવણીની શંકા છે, જેમાં જુગાર અને મોટા વ્યવહારોમાં આ નોટો વપરાતી હોવાનું મનાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નકલી નોટો જમીનના સોદાથી માંડીને જુગારમાં વપરાતી   હોવાની શંકા

પાંચ કરોડની નકલી નોટો ઠાલવવાની હતી પણ તે પહેલાં પકડાયો

વિરારમાં પકડાયેલી નોટો વાડા વિસ્તારમાં બનાવાઈ હતીઃ  આંતરરાજ્ય  ગેંગની સંડોવણની શક્યતા

મુંબઈ -  પાલઘર જિલ્લાના વાડા વિસ્તારમાં નકલી ભારતીય ચલણી નોટો બનાવવામાં આવતી હોવાની ગંભીર શંકા વચ્ચે મીરા ભાયંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટની ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. વિરારના શિરસાડ વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસે ૫૦૦ રૃપિયાની ૧૯,૫૮૨ નકલી નોટો સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર ગણાતા શેલાર નામના આરોપીની શોધ શરૃ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચ- બે ની ટીમે સોમવારે મોડી રાત્રે એકાવન વર્ષના પ્રદીપ પાટિલને ઝડપી લીધો હતો. તેની પાસેથી પાંચસો રૃપિયાની કુલ ૯૭ લાખ ૯૧ હજારની નકલી નોટો મળી આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં પ્રદીપ પાટિલે પોલીસને જણાવ્યું કે આ નોટો વાડાથી વેચાણ માટે લાવવામાં આવી હતી. માહિતી મુજબ ૩૦ લાખ રૃપિયામાં એક કરોડ રૃપિયાની નકલી નોટો આપવાનો સોદો નક્કી થયો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી પાંચ કરોડ રૃપિયાની નકલી નોટો બજારમાં ઉતારવાનો હતો, પરંતુ તે પહેલાં જ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચ-બે ના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અવિરાજ કુરાડેએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલી નોટો ખૂબ જ સુઘડ રીતે બનાવવામાં આવી હતી અને સામાન્ય માણસ માટે તેને ઓળખવી મુશ્કેલ હતી.

ડેપ્યુટી પોલીસ કમિશનર સંદીપ દોઈફોડેએ જણાવ્યું કે, આ કેસમાં આંતરરાજ્ય ગેંગ સંડોવાયેલી હોવાની શક્યતા નકારી શકાય નહીં. વાડા વિસ્તાર સાથે જોડાયેલા તમામ સંપર્કો અને નાણાકીય લેવડદેવડની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. આ નકલી નોટોનો ઉપયોગ જુગારખાના, બાર તેમ જ જમીન-મકાન જેવા મોટા નાણાકીય વ્યવહારોમાં થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આરોપી પ્રદીપ પાટિલે ભૂતકાળમાં પણ જુગાર દરમિયાન આવી નકલી નોટો વાપરી હોવાની માહિતી મળી છે.

પોલીસ હવે વાડા વિસ્તારમાં સંભવિત પ્રિન્ટિંગ સેટઅપ, સપ્લાય ચેન અને આ નોટો કોના મારફતે બજારમાં પહોંચતી હતી તેની સઘન તપાસ કરી રહી છે. અધિકારીઓનું માનવું છે કે આ માત્ર એક વ્યક્તિનો કેસ નહીં પરંતુ મોટા નેટવર્કનો ભાગ હોઈ શકે છે.