જુહૂમાં ૨૮ વર્ષથી પ્રેક્ટિસ કરતો નકલી ડોક્ટર પકડાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલ કેમ્પો ચલાવ્યા અને બોલિવુડમાં સંપર્કો બનાવ્યા
છેલ્લા ત્રણ વર્ષમાં સીએસઆર ભંડોળ દ્વારા ૧૦ કરોડની ઉચાપત કરી હોવાની શંકા
મુંબઇ - જુહૂમાં છેલ્લાં ૨૮ વર્ષથી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ છે. ધર્મેન્દ્ર કુમાર નામનો આ નકલી ડોક્ટર મેડિકલ કેમ્પ સહિતની પ્રવૃત્તિઓ કરતો હતો અને તેના બોલિવુડમાં પણ સંપર્કો હતો. નકલી પોલીસ અધિકારી તરીકે અનેક લોકોને છેતરનારા એક ભેજાબાજની તપાસમાં આ નકલી ડોક્ટરનો પણ પર્દાફાશ થયો હતો. તેણે ત્રણ વર્ષમાં સીએસઆર એક્ટિવિટીના નામે ૧૦ કરોડની ઉચાપત કરી હોવાનો પણ આરોપ છે.
ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ટોચના પોલીસ અધિકારી હોવાનો દાવો કરી અનેક લોકોને લોન ઉપરાંત પોલીસ ખાતાંમાં નોકરીના નામે છેતરનારા ભેજાબાજ મોહમ્મદગૌસ ઇબ્રાહિમ ખાતીબ (૫૨) ઉર્ફે ડૉ. રાજ ખાતીબ ની ધરપકડ કરી હતી. ગુજરાતના એક ઉદ્યોગપતિના ફસાયેલા ૧૬ લાખ રુપિયા વસૂલી આપવાના નામે છેતરપિડીના કેસમાં ખાતીબ ઝડપાયો હતો. ખાતીબે યોજેલા એક મેડિકલ કેમ્પમાં કેટલીક બોલિવુડ હસ્તીઓ સાથે ધર્મેન્દ્ર કુમારે પણ હાજરી આપી હતી. આ કેસની તપાસમાં ધર્મેન્દ્ર કુમારની પૂછપરછ થઈ હતી. તેણે પોતે અસલી ડોક્ટર હોવાનો દાવો કર્યો હતો અને પોતાના નકલી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જોકે, તપાસમાં ખ્યાલ આવ્યો હતો કે તેની પાસે કોઈ અસલી દસ્તાવેજો નથી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે સીએસઆરનાં ૧૦ કરોડની ઉચાપત કરી છે. તેણે એક કરતાં વધુ રાજ્યોમાં છેતરપિંડી કરી છે. તેની પાસેથી ે વિવિધ સંસ્થાઓ દ્વારા જારી કરાયેલા ઓળખ પત્રો, પાનકાર્ડ, વિઝિટિંગ કાર્ડ અને પ્રમાણપત્રો સહિત અન્ય વસ્તુઓ જપ્ત થઈ છે.
તેના જુહૂ ખાતેના ઘરેથી જુદા જુદા દસ્તાવેજો ઉપરાંત તબીબી સારવારના સાધનો વગેરે પણ મળી આવ્યાં હતાં. તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેને તા. ૧૬મી સુધીના રિમાન્ડ આપ્યા હતા.




