ભૂતપૂર્વ પત્નીને મૃત પતિની સંપત્તિમાંથી મેઈન્ટેનન્સ મળે, વધારો નહીંઃ હાઈકોર્ટ

ભરણપોષણનો આદેશ વારસદારો માટે પણ બંધનકર્તા
પતિના મૃત્યુ બાદ ભરણપોષણમાં
વધારો મંજૂર કરીએ તો આવી અરજીઓનો ઢગલો થશેઃ કોર્ટ
મુંબઈ
- બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે કે ભૂતપૂર્વ પત્ની તેના
મૃત પતિની સંપત્તિમાંથી ભરણપોષણની બાકી
રહેલી રકમ વસૂલ કરી શકે છે, પરંતુ રકમમાં વધારો કરવાની માંગ
કરી શકતી નથી કારણ કે તેને મંજૂરી આપવાથી આવી અરજીઓના ઢગલા થઈ શકે છે.
ભરણપોષણમાં વાજબી વધારો નક્કી કરવા માટે કોર્ટે પત્નીની જરૃરિયાતો અને પતિની વાસ્તવિક ક્ષમતા
વચ્ચે સંતુલન રાખવું જોઈએ અને જ્યારે પતિ મૃત્યુ પામે છે, ત્યારે
ન્યાયિક સમીકરણનું આ મહત્વપૂર્ણ પાસું ખૂટે છે, એમ ન્યાયાધીશ
ભારતી ડાંગરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે મે મહિનામાં આપેલા ચુકાદામાં
જણાવ્યું હતું.
નરેન ગોરેગાંવકરની વિધવા ૬૨ વર્ષીય વર્ષા દ્વારા ફેમિલી કોર્ટના આદેશ સામે
દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી બેન્ચ કરી રહી હતી.
અરજી મુજબ, આ દંપતીએ જાન્યુઆરી ૧૯૭૪માં લગ્ન કર્યા હતા પરંતુ ૧૯૭૭માં
કોઈ સંતાન ન હોવાથી તેઓ અલગ થઈ ગયા હતા. નરેને ૧૯૮૦માં છૂટાછેડા માટે અરજી દાખલ
કરી હતી. અરજી મંજૂર કરવામાં આવી હતી અને વર્ષાને દર મહિને ૬,૦૦૦ રૃપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
માર્ચ ૨૦૧૨ માં નરેનના મૃત્યુ પછી, વર્ષાએ ફેમિલી કોર્ટમાં
ભરણપોષણની બાકી રકમની વસૂલાત માટે અરજી
કરી અને વધતા જતા ખર્ચ અને તબીબી ખર્ચને પહોંચી વળવા માટે રકમમાં વધારો કરવાની પણ
માંગ કરી હતી.
ફેબુ્રઆરી ૨૦૨૩માં ફેમિલી કોર્ટે તેણીને નરેનની મિલકતમાંથી બાકી રકમ
વસૂલવાની મંજૂરી આપી, પરંતુ ભરણપોષણ વધારવાની તેની અરજીને નકારી કાઢી તેથી
તેેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ગોરેગાંવકરના કાનૂની વારસદારો વતી
દલીલ કરાઈ હતી કે ભરણપોષણની બાકી રકમ તેમની મિલકતમાંથી વસૂલ કરી શકાય છે, પરંતુ
મહિલા રકમમાં વધારો માંગી શકે નહીં.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે ભરણપોષણનો આદેશ વારસદારો માટે પણ બંધનકર્તા છે. તેમણે તે
પ્રમાણે બાકી રકમ ચૂકવવી જોઈએ. લગ્નસબંધી
કેસમાં મૃત્યુ બાદ કાર્યવાહી પડતી મૂકાય છે એવું આ કેસમાં નથી હોતું.
ભરણપોષણના અંતિમ આદેશને કોઈપણ
દીવાની આદેશની જેમ ગણવામાં આવે છે જે મૃત્યુ પછી લાગુ કરી શકાય છે અને પતિના મૃત્યુથી
ભરણપોષણના આદેશને કોઈ અસર નથી થતી, એમ બેન્ચે જણાવ્યું હતું.
પરંતુ રકમ વધારવાની મંજૂરી આપવાથી
અર્થહીનતા, અનિશ્ચિતતા ઉદ્ભવશે અન અરજીઓના ઢગલા આવશે, એમ હાઇકોર્ટે જણાવ્યું હતું.




