Mumbai

મુંબઈમાં ૯૦૦થી વધુ દેખાવકારો સામે આઠ એફઆઈઆર દાખલ

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથેના વિદ્યાર્થી દેખાવોને સમર્થન આપતા મુંબઈમાં 8 FIR નોંધાઈ છે. પોલીસે 900 થી વધુ દેખાવકારોને આરોપી બનાવ્યા છે. શિવાજી પાર્કમાં 600 લોકો સામે કેસ નોંધાયા, જ્યારે માહિમ, સાયન, વરલી સહિતના વિસ્તારોમાં પણ ગુના દાખલ થયા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈમાં  ૯૦૦થી વધુ  દેખાવકારો સામે આઠ એફઆઈઆર દાખલ

વાંગચૂકના સમર્થનમાં થતા દેખાવો પર પોલીસની તવાઈ

ચેમ્બુરમાં ટોળાં દ્વારા ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે જામ કરવાનો પ્રયાસઃ  માહિમ, વરલી, ભોઈવાડા, વડાલામાં પણ ગુના નોંધાયા

શિક્ષણ પ્રધાનના રાજીનામાંની માંગ સાથે થતા દેખાવો  પર પોલીસની તવાઈ

મુંબઇ -  દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે યોજાઈ રહેલાં વિદ્યાર્થીઓના દેખાવોના સમર્થનમાં મુંબઈમાં  આજે પણ  જુદાં જુદાં સ્થળે સેંકડો લોકો દેખાવો માટે ઉતરી પડતાં પોલીસ સતત દોડતી રહી હતી.   મંજૂરી વિના દેખાવો માટે  મુંબઈ પોલીસે આજે સાંજ સુધીમાં  ૯૦૦થી વધુ દેખાવકારો સામે અલગ અલગ આઠ એફઆઈઆર દાખલ  કરી હતી. ચેમ્બુરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ વે જામ કરવાનો પ્રયાસ થતાં તંગદિલી વ્યાપી હતી.

શિવાજી પાર્ક ખાતે આજે પણ સતત ત્રીજા દિવસે મોટી સંખ્યામા દેખાવકારો ઉમટયા હતા. સેંકડો લોકોએ સરકાર વિરોધી નારા પોકારી શિક્ષણ પ્રધાનના રાજીનામાંની માંગ  કરી હતી. દેખાવકારોમાં મોટાભાગે યુવાઓનો સમાવેશ થયો હતો.  બીજી તરફ ચેમ્બુર, ગિરગાંવ સહિતના અન્ય સ્થળોેએ પણ લોકો માર્ગો પર ઉતર્યાં હતાં. તેના કારણે શહેરભરમાં દેખાવોને ડામવા માટે પોલીસે કવાયત કરવી પડી હતી.

આજે  ચેમ્બુર સિદ્ધાર્થ કોલોની ખાતે એક મોટાં ટોળાંએ અચાનક ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવી જઈ ટ્રાફિક રોકવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે આ ટોળાંને વિખેર્યુ હતું. પરંતુ, આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ હતી.

પોલીસે મંજૂરી વિના દેખાવો સામે ગુના નોંધવા શરુ  કર્યા છે. પોલીસ સૂત્રોનુસાર શિવાજીપાર્ક પોલીસ મથકમાં સૌથી વધુ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે. જેમાં એફઆઇઆરમાં  ૬૦૦ થી વધુ લોકોના નામ નોંધવામાં આવ્યા છે. શિવાજીપાર્ક ઉપરાંત, માહિમ, દાદર, સાયન, વરલી, કાલાચોકી, ભોઇવાડા અને વડાલા ટીટી પોલીસ મથકમાં પણ કેસ નોંધાયા છે.

પોલીસના જણાવ્યા અનુસાર કાયદો અને વ્યવસ્થાના કથિત ઉલ્લંઘન અને પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવા બદ્દલ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ સૂત્રોનુસાર માહિમ પોલીસ મથકમાં ૧૦૦ થી વધુ દાદર પોલીસ મથકમાં ૭૦ થી વધુ, સાયનમાં ૪૦, વરલી પોલીસ મથકમાં ૨૧  કાળાચોકીમાં ૨૦ ભોઇવાડામાં ૨૦ થી વધુ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મુંબઇ પોલીસ અનુસાર શહેરમાં વિવિધ સ્થળોએ આંદોલન કરવા બાબતે સંબંધિત પોલીસ મથકોમાં એફઆઇઆર નોંધવામાં આવેલ છે અને આ તમામ કેસમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

મુંબઇ  પોલીસ શિવાજી પાર્ક વિસ્તારમાં યોજાયેલા એક વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં આયોજકો સામે ગેરકાયદેસર ભેગા થવા અને પરવાનગી વિના વિરોધ પ્રદર્શનનું આયોજન કરવાના આરોપસર આયોજકો સામે કેસ નોંધ્યો છે. આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે સહિત ઉદ્ધવ જૂથના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.