Mumbai

અશોક ખરાતની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવા ઈડીને મંજૂરી

By GS Team
20 May 20262 mins read
અશોક ખરાતની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરવા ઈડીને મંજૂરી

'બેનામી' ખાતાઓ દ્વારા ૭૦ કરોડનું ખંડણી રેકેટ

ઔપચારિકતા પૂર્ણ કર્યા બાદ ધરપકડ કરીને વિશેષ કોર્ટમાં કસ્ટડી માટે હાજર કરાશે

મુંબઈ -  બઈની  એક ખાસ પીએમએલએ કોર્ટે ૭૦ કરોડના મની લોન્ડરિંગ કેસમાં બળાત્કાર અને છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા સ્વ-ઘોષિત ગોડમેન-કમ-જ્યોતિષી અશોક ખરાતની ધરપકડ કરવાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને પરવાનગી આપી દીધી છે.

બળાત્કાર અને ઠગાઈના આરોપોનો સમાનો કરી રહેલા ખરાતને નાશિક જેલમાંથી પ્રોડક્શન વોરન્ટ પર વિશેષ કોર્ટમાં હાજર કરાયો હતો. હાલ તે અદાલતી કસ્ટડીમાં છે. ઈડીએ ખરાતની આ કેસમાં ધરપકડ કરવાની પરવાનગી માગી હતી. હવે ઈડી વિધિવત ઔપચારિકતા પૂર્ણ કરીને ખતારની ધરપકડ કરશે અને બુધવારે કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે હાજર કરશે.

ઈડીએ ૬ એપ્રિલના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીઅમએલએ) હેઠળ ખરાત વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો હતો, જેમાં નાસિક પોલીસ દ્વારા 'ધર્મગુરુ' વિરુદ્ધ ખંડણી, ધામક હેરાફેરી અને અનેક મહિલાઓ પર ડ્રગ્સ દ્વારા હુમલો કરવાના આરોપસર દાખલ કરાયેલી એફઆઈઆરની નોંધ લેવામાં આવી હતી.

ખરાત, જે હાલમાં નાશિકમાં પોલીસ કસ્ટડીમાં છે, તેના પર બળાત્કાર અને મહિલાઓના જાતીય શોષણ સંબંધિત અનેક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એક પરિણીત મહિલાએ ત્રણ વર્ષથી વારંવાર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યા બાદ નાસિક પોલીસે ૧૮ માર્ચે તેની ધરપકડ કરી હતી.

નાણાકીય ગુના તપાસ એજન્સીએ ખરાટ પર 'બેનામી' બેંક ખાતાઓના વેબ દ્વારા ૭૦ કરોડ રૃપિયાથી વધુની ખંડણી રેકેટ ચલાવવાનો અને લોન્ડરિંગ કરવાનો આરોપ મૂક્યો છે.

આરોપ અનુસાર  ખરાતે અહિલ્યાનગર જિલ્લાની સમતા નગરી સહકારી ક્રેડિટ સોસાયટીમાં પીડિતોની સંમતિ વિના તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને એક જ દિવસમાં ૬૦ ખાતા ખોલ્યા હતા અને ૭૦ કરોડ રૃપિયાથી વધુના વ્યવહારો કર્યા હતા.તપાસમાં જાણવા મળ્યું છે કે ખરાતે પીડિતો પાસેથી ખંડણી ઉઘરાવીને અને આમલીના બીજ અને મધ જેવી સામાન્ય વસ્તુઓને  આશીર્વાદિત વસ્તુઓ તરીકે વેચીને એકઠા કરેલા ભંડોળમાંથી પોતાના નામે તેમજ પરિવારના સભ્યોના નામે વિવિધ જંગમ અને સ્થાવર મિલકતો મેળવી છે, એવો આરોપ ઈડીએ લગાવ્યો છે.