મીઠી નદીના રૂ. 65 કરોડના કૌભાંડમાં ડિનો મોરિયોને ફરી સમન્સની શક્યતા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : મુંબઈની મીઠી નદીના શુદ્ધિકરણ અને કાદવ-કાંપ કાઢવા (ડિસિલ્ટિંગ)ના બહુચચત કૌભાંડમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (ઇઓડબલ્યુ)એ બોલિવૂડ અભિનેતા ડિનો મોરિયાની આઠ કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી. હવે આ કેસમાં તેમને ફરીથી સમન્સ પાઠવવામાં આવે તેવી આશંકા છે, જેના પગલે આ કૌભાંડમાં ડિનો મારિયોની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. દિશા સાલિયાનની કથિત આત્મહત્યાના કેસ પછી હવે આ કૌભાંડના કેસમાં પણ ડિનો મારિયોની મુશ્કેલીઓ વધે તેવી શક્યતા છે. મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા મીઠી નદીના પુનરુદ્ધાર અને કાંપ હટાવવા માટે આપવામાં આવેલા કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં વ્યાપક નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આરોપ છે. ઇઓડબલ્યુના પ્રાથમિક આંકડા મુજબ આ કૌભાંડને કારણે પાલિકા તિજોરીને રૂ. ૬૫.૫૪ કરોડનું મસમોટું નુકસાન સહન કરવું પડયું છે. આ પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરો, વચેટિયાઓ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓની મિલીભગતની તપાસ ચાલી રહી છે.
તપાસ દરમિયાન ડિનો મોરિયાના ફોન કોલ રેકોર્ડ્સમાંથી કેસ સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ સાથેના સંપર્કો સપાટી પર આવ્યા હતા. મે ૨૦૨૫માં ડિનો મોરિયા અને તેના ભાઈ સંતિનો મોરિયાની ઇઓડબલ્યુ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. સંતિનો મોરિયાની કંપની 'યુબીઓ રાઇડ્ઝ પ્રાઇવેટ લિમિટેડ'માં કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમ દ્વારા વિવિધ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.૧૮ લાખ ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે કૌભાંડમાં સંકળાયેલી કંપની 'વોડાર ઇન્ડિયા એલએલપી' અને સંતિનો મોરિયાની 'યુબીઓ રાઇડ્ઝ' બંને મુંબઈના વરલીમાં ફેમસ સ્ટુડિયો નજીક એક જ સરનામેથી સંચાલિત થતી હતી. પાલિકાના અધિકારીઓએ વિશિષ્ટ મશીનરી ખરીદવા કોચીનો પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ તે જ મશીનરીને અનુકૂળ આવે તેવા ટેન્ડર બહાર પાડયા હતા. ત્યારબાદ કોન્ટ્રાક્ટરોને ચોક્કસ વચેટિયાઓ પાસે મોકલી ઊંચા ભાડા વસૂલવામાં આવ્યા હતા. આ નાણાકીય ગેરરીતિઓ અંગે ઈડી દ્વારા પણ મની લોન્ડરિંગનો અલગ કેસ દાખલ કરી તપાસ ચલાવવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૫માં ઈડીએ ડિનો મોરિયાના ઘર સહિત મુંબઈ અને કોચીમાં અનેક સ્થળોએ દરોડા પાડયા હતા. મુંબઈ પોલીસની ઇઓડબલ્યુની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ કેસમાં અત્યાર સુધીમાં કેતન કદમ અને જયેશ જોશી સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.




