ખાંડનું ઉત્પાદન ઓછું થવાનું છે તે જાણવા છતાં નિકાસ થવા દીધી તેમાં ભાવ વધ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ : મુંબઈ સહિત દેશભરમાં ખાંડના ભાવો વધી રહ્યા છે. દસ વર્ષમાં પહેલીવાર સરકારે વિદેશથી ખાંડ આયાત કરવાની ફરજ પડી રહી છે. દેશમાં ખાંડ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતા મહારાષ્ટ્રના સુગર બેલ્ટના નિષ્ણાતો જોકે કહે છે કે શેરડીમાંથી ઈથેનોલ ઉત્પાદન કરવાનું ચલણ વધતાં ખાંડના ભાવો વધ્યા છે એવું સીધી રીતે પ્રસ્થાપિત કરી શકાય તેમ નથી. તેમના મતે વાસ્તવમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી શેરડીનું વાવેતર જ ઘટી રહ્યુું છે અને આ પરિસ્થિતિ જાણતા ટ્રેડર્સ ખાંડનો મોટો સ્ટોક ભરીને બેઠા છે તેથી ભાવો વધી રહ્યા છે.
મુંબઈમાં છૂટક બજારમાં ખાંડના ભાવો કિલોના ૭૫થી ૮૦ની સપાટીને આંબવા લાગ્યા છે. સુગર સેક્ટરના જાણકારો કહે છે કે છેલ્લા કેટલાક સમયથી શેરડીનું વાવેતર જ ઘટી રહ્યું છે એટલે આ પરિસ્થિતિ વહેલી મોડી સર્જાવાની હતી એવી આશંકા પહેલેથી હતી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સુગર કમિશનર શેખર ગાયકડાવના જણાવ્યા અનુસાર દેશમાં શેરડીનું ઉત્પાદન ઘટી રહ્યું છે. ેહેક્ટર દીઠ ઉપજ પણ ઘટી રહી છે. જો સરકાર હવે શેરડી ઉત્પાદન વધારવા માટે કોઈ પ્રોત્સાહનો જાહેર કરે અને નવી નીતિ બનાવી ખેડૂતોને વધારે વાવેતર માટે પ્રેરે તો પણ તેની અસર થતાં સુધીમાં બીજાં ૩૦થી ૩૬ મહિના લાગી જશે.
દેશમાં શેરડી ઉત્પાદક ખેડૂતો ઘટી રહ્યા છે. રાજ્યોમાં શેરડીનું વાવેતર ઘટી રહ્યું છે કેન્દ્ર સરકારે ખાંડના પુરવઠાની ઉપલબ્ધિના આંકડા ફરીથી ચેક કરવા જોઈએ એમ તેમણે કહ્યું હતું.
નેશનલ ફેડરેશન ઓફ કો ઓપરેટિવ સુગર ફેક્ટરીઝના ભૂતપૂર્વ પ્રમુખ જયપ્રકાશ દાંડેગાંવકરે કહ્યું હતું કે શેરડીમાં પીલાણના દિવસો પણ ઘટયા છે. અગાઉ આખાં વર્ષમાંથી ૧૫૦ દિવસ સુધી ફેક્ટરીઓમાં શેરડીનું પીલાણ ચાલતું હતું. હવે ૧૦૦ દિવસ પણ માંડ થાય છે. ખાંડના ટેકાના ભાવ ટનદીઠ ૩૧૦૦ રુપિયા છે પરંતુ અમે ખેડૂતોને વાજબી અને વળતરદાયક ભાવ તરીકે ટન દીઠ ૩૬૫૦ રુપિયા ચૂકવીએ છીએ. દેખીતી રીતે જ સુગર ફેક્ટરીઓ માટે આ ખોટનો સોદો છે.
વેસ્ટ ઈન્ડિયા સુગર મિલ્સ એસોસિએશનના પ્રમુખ ભૈરવનાથ થોમ્બરેએ કહ્યું હતું કે ૨૦૨૦ના અરસામાં દેશમાં લગભગ ૧૦૦ ટકા ઈથેનોલનું ઉત્પાદન શેરડીમાંથી જ થતું હતું. પરંતુ, હવે બીજાં અનાજ અને છોડવાંમાંથી પણ ઈથેનોલ ઉત્પાદન શરુ થયું છે. આથી દેશમાં હવે કુલ પેદા થતાં ઈથેનોલમાંથી માંડ ૩૦ ટકા ઉત્પાદન શેરડીમાંથી થાય છે. આથી, ઈથેનોલ ઉત્પાદન વધ્યું એટલે ખાંડના ભાવ વધ્યા તેવી સીધી કડી પ્રસ્થાપિત કરી શકાય તેમ નથી.
તેમણે કહ્યું હતું કે અગાઉ ખાંડનું ઉત્પાદન ૩૯૦ લાખ ટન થવાના આંકડા અપાયા હતા. પરંતુ, વાસ્તવિક ઉત્પાદન ૩૧૦ લાખ ટન આસપાસ જ રહ્યું હતું. ઉત્પાદન ઘટવા છતાં પણ સરકારે આઠ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી દીધી હતી તેના કારણે ભારતનાં બજારમાં ખાંડની ખેંચ પડી ગઈ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ે અલ નીનોને કારણે શેરડીનું વાવેતર અને ઉત્પાદન ઘટશે તેવી ધારણાથી વેપારીઓએ બહુ મોટાપાયે આગોતરો સ્ટોક કરી લીધો તેની સીધી અસર ખાંડના ભાવો પર વર્તાઈ છે.
ભારતનાં કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં ૨૦૨૨-૨૩માં શેરડીનું વાવેતર ૫૮૮૫.૩૨ હેક્ટરમાં થયું હતું. ૨૦૨૪-૨૫માં તે ઘટીને ૫૪૪૯.૯૩ હેકટર થઈ ગયું હતું. તેના કારણે શેરડીનો પાક ઓછો થયો છે. ભારતમાં ૨૦૨૨-૨૩માં ખાંડનું ઉત્પાદન ૪૯૦૫૩૩.૩૫ હજાર ટન હતું. તે ઘટીને ૪૫૩૧૫૮.૪૦ હજાર ટન થઈ ગયું છે. ૨૦૨૪-૨૫માં પણ આ ઉત્પાદન ૪૫૬૧૦.૯૩ હજાર ટન રહ્યું હોવાનો અંદાજ છે.









