Mumbai

ધુરંધરમાં પોતાને પથારીવશ દર્શાવાતાં દાઉદ છંછેડાયોઃ ફરી ધાક જમાવવા પ્રયાસ

By GS Team
2 Jun 20262 mins read
ધુરંધરમાં પોતાને પથારીવશ દર્શાવાતાં દાઉદ છંછેડાયોઃ ફરી ધાક જમાવવા  પ્રયાસ

બાંદ્રા ડિમોલીશનના નામે ભરમાવી  ગેંગંમાં નવી ભરતી

કોઈ મોટી હસ્તી કે જાણીતાં સ્થળ પર હુમલો કરાવી  પોતે હજુ પણ સ્વસ્થ અને સક્ષમ હોવાનું  પુરવાર કરવાનો પ્લાન

મુંબઇ -  'ધુરંધર' ફિલ્મમાં દાઉદ ઈબ્રાહિમને પથારીવશ તથા મરણાસન્ન દેખાડાયો છે.  તેનાથી નારાજ દાઉદ ઈબ્રાહિમે મુંબઈમાં ફરી પોતાની ધાક જમાવવા માટે ગ્રાઉન્ડ નેટવર્ક એક્ટિવ કરવા  માંડયું હોવાનું કહેવાય છે.

 રણવીરની ફિલ્મમાં બડે સાહબ નામનું એક પાત્ર છે, જે મૃત્યુશય્યા પર હોવાનું દર્શાવ્યું છે. આ પાત્ર દાઉદ સાથે ખૂબ જ સામ્યતા ધરાવે છે.

આ ફિલ્મ બાદ દાઉદ ખરેખર પથારીવશ છે કે કેમ તેવી ચર્ચા શરુ થતાં દાઉદ છંછેડાયો છે તેવો દાવો કરાઈ રહ્યો છે. દાઉદે પોતે હજુ પણ સ્વસ્થ, સક્ષમ અને સક્રિય છે તેવું પુરવાર કરવા મુંબઇના અંડરવર્લ્ડ પર ફરી પ્રભુત્વ જમાવવા પ્રયાસો  શરુ કર્યાનું કહેવાય છે.

દાઉદને ગેંગ મુંબઈમાં નવેસરથી ભરતી કરી રહી છે.  સૂત્રોએ જણાવ્યું હતું કે આ માટે ભરતીની પ્રક્રિયા શકીલ ગેંગને સોંપવામાં આવી છે. જ્યારે પાકિસ્તાન સ્થિત આઇએસઆઇને આ ભરતી હેઠળ આવતા નવા સભ્યોને તાલીમ આપવાનું અને શસ્ત્રો પુરા પાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ સિવાય શૂટર મુન્ના ઝિંગાડાને આતંકવાદી કાવતરાંને અંજામ આપવાનું કામ સોંપવામાં આવ્યું છે સૂત્રો અનુસાર ભરતી કરનારાઓને ઓપરેશન પાછળનું સાચુ કારણ જણાવવામાં આવ્યું નથી.

મુંબઇની શેરીઓમાંથી કાળજી પૂર્વક પસંદ કરાયેલા સભ્યોને બાંદ્રાના ગરીબનગરમાં એક ગેરકાયદે મસ્જિદ સામેની  બુલડોઝર કાર્યવાહી દર્શાવી ઉશ્કેરવામાં આવ્યા હતા.  દિલ્હી પોલીસે તાજેતરમાં એક આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું અને આઇએસઆઇ અને મુંબઇના અંડરવર્લ્ડના જોડાણનો પર્દાફાશ કર્યો હતો. તેમાં એવો  પર્દાફાશ થયો હતો કે ગરીબનગરનાં દબાણો તોડવા માટે  મુંબઈમાં આતંકી હુમલાનું કાવતરું ઘડાયું છે.

એજન્સીઓને એવી પણ શંકા છે કે ડી- કંપનીની અંડરવર્લ્ડ પર ઢીલી પડતી પકડ અને ખંડણીની પ્રવૃત્તિઓમાં સતત થઇ રહેલ ઘટાડા વચ્ચે ગેંગનો ટકી રહેવાનો આ મરણીયો પ્રયાસ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દાઉદ ગેંગ પોતાની છબી નવેસરથી પુનર્જીવીત કરવા અને અંડરવર્લ્ડમાં ધાક જમાવવા આઇએસઆઇની મદદથી ભારતમાં કોઇ મોટી હસ્તી  અથવા મહત્વના સ્થળે મોટો હુમલો કરવાની યોજના બનાવી રહી છે. આવી  પ્રવૃત્તિમાં પાકિસ્તાનની મદદગારીની ભૂમિકા કાયમ રહી છે, પરંતુ ભારતીય ગુપ્તચર એજન્સીઓ સમયસર આતંકી મોડયુલનો પર્દાફાશ કરી આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે.