પુણેમાં પિતાએ ફોન ચેક કરતા દીકરીએ ઝેર ગટગટાવ્યું

પાંચ દિવસની સારવાર બાદ તરુણીનુંં મોત
પિતાએ મોબાઈલ મોબાઈલ તપાસતાં ૧૬ વર્ષની દીકરીને બહુ લાગી આવ્યું
મુંબઈ - તરુણોમાં હાલ મોબાઈલ ફોનનું વ્યસન વધી રહ્યું છે. ત્યારે પુણેમાં ૧૬ વર્ષીય તરુણીએ તેના પિતા દ્વારા તેનો મોબાઈલ ફોન ચેક કરતા ઝેર ગટગટાવ્યું હતું. પાંચ દિવસના સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે હાલ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પુણેના ચીખલાના જાધવવાડીમાં આઠમાં ધોરણમાં ભણતી૧૬ વર્ષીય પ્રતિક્ષા ગાયકવાડના પિતાએ ગઈ તા. ૧૭મી માર્ચે તેનો ફોન ચેક કર્યો હતો. આ સમયે મોબાઈલ ફોનમાં કંઈ વાંધાજનક મળ્યું ન હતું. જો કે, પિતાએ તેનો ફોન ચેક કર્યો હોવાથી લાગી આવતા પ્રતિક્ષાએ તે જ દિવસે રાત્રે ૯.૦૦ વાગ્યાની આસપાસ ઘરમાં ઝેર ગટગટાવ્યું હતું.
પરિવારના સભ્યોને આ અંગે જાણ થતાં જ પીડિતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જો કે, પાંચ દિવસના સારવાર દરમિયાન બાવીસ માર્ચના રોજ તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પંચનામુ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે આ મામલે હાલ આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધીને, આ આત્મહત્યા જ છે કે કોઈ અન્ય કિસ્સો છે તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.









