Mumbai

ટીસીએસ કેસમાં ઝડપાયેલા દાનિશને અન્ય કેસમાં ધરપકડથી રક્ષણ નહિ

By GS Team
23 Apr 20261 min read
ટીસીએસ કેસમાં ઝડપાયેલા દાનિશને અન્ય કેસમાં ધરપકડથી રક્ષણ નહિ

દાનિશ હાલ મુખ્ય કેસમાં જેલમાં છે

અન્ય કેસમાં ફરિયાદ પક્ષે જવાબ નોંધાવવા સમય માગતાં ૨૭મી પર સુનાવણી

મુંબઈ -   મહારાષ્ટ્રના નાશિકની એક કોર્ટે ટાટા કન્સલ્ટન્સી સવસીસ (ટીસીએસ) ના કર્મચારી દાનિશ શેખને અગ્રણી આઇટી કંપનીના સ્થાનિક એકમમાં કથિત જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ સંબંધિત અન્ય એક કેસમાં ધરપકડથી વચગાળાનું રક્ષણ આપવાનો ઇનકાર કર્યો છે.

૩૧ વર્ષીય સોફ્ટવેર પ્રોફેશનલની આ કેસના સંદર્ભમાં નોંધાયેલી નવ એફઆઈઆરમાંથી એકમાં ધરપકડ કરવામાં આવી છે. તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેમણે મુંબઈ નાકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં વચગાળાના જામીન માંગ્યા છે. બચાવ પક્ષે મુખ્ય અરજીનો નિર્ણય ન આવે ત્યાં સુધી ધરપકડથી વચગાળાનું રક્ષણ માંગ્યું હતું. જોકે, ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે તેમને પોતાનો જવાબ દાખલ કરવા માટે સમયની જરૃર છે.

બંને પક્ષોને સાંભળ્યા પછી, કોર્ટે મંગળવારે શેખને વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને ફરિયાદ પક્ષને ૨૭ એપ્રિલ સુધીમાં પોતાનો જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ટીસીએસ યુનિટમાં મહિલા કર્મચારીઓના કથિત શોષણ, બળજબરીથી ધર્માંતરણનો પ્રયાસ, ધામક લાગણીઓને ઠેસ પહોંચાડવા, છેડતી અને માનસિક ઉત્પીડનના સંદર્ભમાં નોંધાયેલા કુલ નવ કેસોની તપાસ એક વિશેષ તપાસ ટીમ  કરી રહી છે.

અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓએ પણ જામીન અરજી દાખલ કરી છે, જેની સુનાવણી આગામી દિવસોમાં કરવામાં આવશે.