શક્તિ સાયક્લોનથી મહારાષ્ટ્રનો દરિયો ગાંડોતૂર થશે : મુશળધાર વર્ષા નથી થવાની

રાજ્યના બંદરો પર બીજા નંબરનો સિગ્નલ જારી
માછીમારોને 5-7 ઓક્ટોબર દરમિયાન સમુદ્રમાં નહીં જવાની ચેતવણી
મુંબઇ - હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે અરબી સમુદ્રના વાયવ્ય અને ઇશાન હિસ્સામાં શક્તિ નામનું સમુદ્રી તોફાન(સાયકલોન) સર્જાયું છે. આશ્ચર્યની ઘટના તો એ છે કે શક્તિ સાયક્લોન ચોમાસા દરમિયાન જ અરબી સમુદ્રમાં સર્જાયું છે. સામાન્ય રીતે કુદરતી પરંપરા મુજબ અરબી સમુદ્રમાં અથવા બંગાળના ઉપસાગરમાં ચોમાસા પહેલાં(પ્રિ -મોન્સૂન) અથવા ચોમાસા બાદ(પોસ્ટ-મોન્સૂન) સર્જાય છે. વર્ષા ઋતુ દરમિયાન નહીં.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ભારપૂર્વક સ્પષ્ટતા કરતાં ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે શક્તિ સાયક્લોનની કોઇ જ અસર મુંબઇ કે મહારાષ્ટ્રમાં નથી થવાની. એટલે કે મુંબઇમાં કે મહારાષ્ટ્રમાં તોફાની પવન સાથે મુશળધાર વરસાદી માહોલ નથી સર્જાવાનો.
હા, સાયક્લોનની અસર અરબી સમુદ્રમાં જરૃર થશે. ૪ થી ૭--ઓક્ટોબર દરમિયાન ૧૦૫ થી૧૩૫ કિલોમીટરની અતિ તીવ્ર ગતિએ પવનની પ્રચંડ થપાટ વાગવાની પણ સંભાવના છે. અરબી સમુદ્ર ગાંડોતૂર થશે અને ઉંચાં મોજાં ઉછળશે.
આ જ પરિબળને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના માછીમારોને ૪થી ૭- ઓક્ટોબર દરમિયાન દરિયામાં માછીમારી કરવા દરમિયાન નહીં જવાની ચેતવણી આપવામાં આવી છે.
સાથોસાથ મુંબઇથી લઇને કોંકણની આખી સમુદ્રપટ્ટી પરનાં બંદરો પર સિગ્નલ નં.-બેની ચેતવણી જારી કરવામાં આવી છે.
શક્તિ સાયક્લોન આજે ૪, ઓક્ટોબરે સિવિયર સાયક્લોનનું ભારે તોફાની સ્વરૃપ ધારણ કરીને પશ્ચિમ -ઉત્તર -પશ્ચિમ દિશા ભણી સરક્યું છે.હવે શક્તિ આવતીકાલે પાંચ, ઓક્ટોબરે આ જ દિશામાં વધુ આગળ વધીને અરબી સમુદ્રના પશ્ચિમ-મધ્ય હિસ્સા તરફ સરકશે. ત્યારબાદ ૬, ઓક્ટોબરે સવારે શક્તિ સમુદ્રી તોફાનનો માર્ગ વળાંકભર્યો થઇને અરબી સમુદ્રના પૂર્વ -ઇશાન હિસ્સા તરફ આગળ વધશે.
આ જ તબક્કે એટલે કે ૬, ઓક્ટોબરે શક્તિ સાયક્લોન તબક્કાવાર મંદ થતું જશે.








