Mumbai

ડિગ્રીના પ્રથમ વર્ષ માટે સાયન્સ કરતાં કોમર્સ અને આર્ટ્સના કટઓફ વધુ

By GS Team
27 May 20262 mins read
ડિગ્રીના પ્રથમ વર્ષ માટે સાયન્સ કરતાં કોમર્સ અને આર્ટ્સના કટઓફ વધુ

મુંબઈ યુનિવર્સિટીની કૉલેજોમાં આજથી એડમિશન

યુનિવર્સિટીના વિવિધ કોર્સ માટે ૨.૭૦ લાખ વિદ્યાર્થીઓએ ૯,૧૨,૧૩૦ અરજીઓ કરાઈ, આ વર્ષે પણ આર્ટ્સનો દબદબો

મુંબઈ  - ધો.૧૨નું પરિણામ જાહેર થયા બાદ ડિગ્રીના વિવિધ કોર્સના પ્રથમ વર્ષમાં પ્રવેશ માટેની પ્રક્રિયાઓ શરુ થઈ હતી. જેનું પ્રથમ મેરિટ લિસ્ટ મંગળવારના રોજ મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલ કૉલેજો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સના પારંપારિક કોર્સ સાથે જ બીબીઆઈ, બીએમએસ, બીએએફ જેવા કોર્સ તરફ પણ વિદ્યાર્થીઓની પસંદગી રહી છે. જોકે પારંપારિક કોર્સની વાત કરીએ તો સાયન્સની સરખામણીએ આર્ટ્સ અને કોમર્સના કટઓફ વધુ રહ્યાં છે. કેટલીક કૉલેજોમાં આર્ટ્સ તથા કોમર્સના કટઓફ ૯૬ટકા સુધી ગયા છે.

મુંબઈ ય્ ાુનિવર્સિટી હેઠળની કૉલેજોમાં વિવિધ કોર્સેસ માટેનું પ્રથમ મેરિટ લિસ્ટ મંગળવારે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઠાકુર કૉલેજમાં સાયન્સનું કટ ઓફ ૬૮ ટકા, એફવાયબીએસસી કોમ્પ્યુટર સાયન્સનું મેરિટ ૭૦ ટકા અને બીએસસી આઈટીનું મેરિટ કટઓફ ૬૯ ટકા તોે કોમર્સનું કટઓફ ૯૦ ટકાએ રહ્યું છે.

 તે જ રીતે ક.જે.સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયમાં બીકોમનું કટઓફ ૮૫ ટકા તો બીએનું કટઓફ ૮૦ ટકા જોવા મળ્યું. ઝેવિયર્સમાં બીકોમ (બીએએફ)નું પહેલું મેરિટ ૯૧ ટકા, બીકોમનું કટઓફ ૭૯ ટકા, બીએનું કટઓફ ૮૭ ટકા તો બીએસસી આઈટીનું કટઓફ ૫૯ ટકા જાહેર કરાયું છે.

 રુપારેલ કૉલેજમાં આર્ટ્સનું કટઓફ ૮૦ ટકા, કોમર્સમાં અરજી કરેલ તમામને પ્રવેશ તો બીએસસી કોમ્પ્યુટર સાયન્સમાં ૭૦.૩૩ ટકા કટઓફ પ્રથમ મેરિટમાં છે. સિડનહૅમ કૉલેજમાં કોમર્સનું કટઓફ ૮૮ ટકા તો એફવાયબીબીઆઈનું કટઓફ ૭૮.૬૦ ટકા જ્યારે જય હિંદ કૉલેજમાં આર્ટ્સમાં ૯૬.૬૭ ટકા, બીકોમમાં ૯૫.૫૦ ટકા તો સાયન્સમાં ૮૧.૬૭ ટકાનું કટઓફ બહાર પડયું છે.

રુઈયા કૉલેજમાં આર્ટ્સનું કટઓફ ૮૫ ટકા, સાયન્સનું ૭૨.૧૭ ટકા અને બીએસસી કોમ્પ્યુટર સાયન્સનું કટઓફ ૮૦ ટકા રહ્યું છે. જ્યારે કે.પી.બી. હિંદુજા કૉલેજમાં કોમર્સનું કટઓફ ૭૭.૮૦ ટકા રહ્યું હતું. બીએએફનું કટઓફ ૮૯ ટકા, એફવાયબીએફએમનું કટઓફ ૮૯.૯૦ ટકા રહ્યું છે.

મુંબઈ યુનિવર્સિટીના પરિપત્રક મુજબ, પ્રથમ મેરિટમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળેલ છે, તેમણે ૨૭થી ૨૯ તારીખ સુધીમાં પ્રવેશ લેવાનો રહેશે. જોકે ૨૮મીએ બકરી ઈદની રજા આવતી હોવાથી આ પ્રવેશની મુદ્દત ૩૦મી સુધી લંબાવાની શક્યતા નકારી શકાય તેમ નથી. યુનિવર્સિટીના વિવિધ કોર્સ માટે કુલ ૨.૭૦ લાખ વિદ્યાર્થીઓએ ૯,૧૨,૧૩૦ અરજીઓ કરી હતી.