Mumbai

અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવામાં નિષ્ફળ મુંબઈ પોલીસને કોર્ટની ફટકાર

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં, સ્પેશિયલ કોર્ટે મુંબઈ પોલીસને ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની કસ્ટડી લેવામાં નિષ્ફળતા બદલ ઠપકો આપ્યો. કોર્ટે પોલીસને 24 જુલાઈ સુધીમાં બિશ્નોઈની હાજરી સુનિશ્ચિત કરવા અને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સિદ્દીકીના પરિવારે પોલીસ પર બાહ્ય દબાણ હેઠળ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

અનમોલ બિશ્નોઈની કસ્ટડી મેળવવામાં નિષ્ફળ મુંબઈ પોલીસને કોર્ટની ફટકાર

 આરોપીની કસ્ટડી મેળવવી, પૂછપરછ કરવી એ પોલીસનું કામ છે, અમારે તે યાદ અપાવવું પડે એ ખોટું છે

સિદ્દિકી હત્યા કેસમાં કબજો મેળવવા પગલાં ભરવા આદેશ

મુંબઈ -  એનસીપીના  નેતા બાબા સિદ્દીકી હત્યા કેસમાં જેલમાં બંધ ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની કસ્ટડી લેવામાં નિષ્ફળતા બદલ શુક્રવારે એક ખાસ કોર્ટે શહેર પોલીસની ઝાટકણી કાઢી હતી અને તેની હાજરી સુનિશ્ચિત કરવા માટે તમામ કાનૂની પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો.

સિદ્દીકીના  પરિવારની અરજી પર સુનાવણી કરી રહેલા સ્પેશિયલ એમસીઓસીએ જજ સત્યનારાયણ આર. નાવંદરે જણાવ્યું હતું કે કોર્ટ પાસેથી ગંભીર હત્યા કેસમાં પોલીસને તેમની ફરજો યાદ કરાવવાની અપેક્ષા રાખવામાં આવતી નથી. કોર્ટે ૨૪ જુલાઈ સુધીમાં કડક પાલનનો રિપોર્ટ માંગ્યો હતો.

કોર્ટે કહ્યું,  આરોપીની કસ્ટડી મેળવવી, તપાસ કરવી, આરોપીની પૂછપરછ કરવી અને તેને ટ્રાયલ પર મૂકવો એ તપાસ એજન્સી અને કાયદા અમલીકરણ અધિકારીઓની વિશિષ્ટ જવાબદારીઓ છે.

ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટ  તપાસ એજન્સીને ખાસ કરીને હત્યાના ગંભીર ગુના સંબંધિત કાર્યવાહીમાં. તેની વૈધાનિક ફરજોની યાદ અપાવે તે અપેક્ષિત નથી. 

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી સિદ્દીકી (૬૬) ની ૧૨ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ રાત્રે મુંબઈના બાંદ્રા પૂર્વ વિસ્તારમાં તેમના પુત્ર ઝીશાનની ઓફિસની બહાર ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી હતી.

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલને ગયા વર્ષે નવેમ્બરમાં અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. તે હાલમાં નવી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

સિદ્દીકી પરિવારે ગયા અઠવાડિયે કોર્ટમાં અરજી કરી હતી અને પોલીસને બિશ્નોઈની કસ્ટડી લેવાનો નિર્દેશ માંગ્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે તેઓ બાહ્ય દબાણને કારણે તેને ટાળી રહ્યા છે.

પોલીસ પર આકરા પ્રહારો કરતાં, ખાસ ન્યાયાધીશે કહ્યું કે તે ખરેખર એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે કે કોર્ટને ફરાર આરોપીની હાજરી સુનિશ્ચિત કરવા માટે નિર્દેશો જારી કરવાની જરૃર પડે છે.

તપાસ એજન્સીએ ઇરાદાપૂર્વક કૃત્ય કરાયાના આરોપોને નકારી કાઢતો લેખિત જવાબ રજૂ કર્યો હતો.