Mumbai

ન્યુ ઈન્ડિયા સ્કેમના આરોપી દંપતીની યુકેથી વર્ચ્યુઅલ હાજરીની વિનંતી કોર્ટે ફગાવી

By GS Team
29 Apr 20262 mins read
ન્યુ ઈન્ડિયા સ્કેમના આરોપી દંપતીની યુકેથી વર્ચ્યુઅલ  હાજરીની વિનંતી કોર્ટે ફગાવી

રૃ.૧૨૨ કરોડના  કૌભાંડમાં ભાનુ દંપતી ફરાર 

 આરોપી દંપતીની અરજીમાં અહંકારની ગંધ આવતી હોવાનું નોંધીને હાજર થવા કોર્ટનું ફરમાન 

મુંબઈ -  મુંબઈની એક કોર્ટે ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અને રૃ. ૧૨૨ કરોડના કથિત છેતરપિંડીના આરોપી દંપતીની યુકેથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થવાની અરજી ફગાવી દીધી છે, અને કહ્યું છે કે તેમની વિનંતી  અહંકારયુક્ત છે. 

આ દંપતીઅ પ્રતિકૂળ વાતાવરણ અને ભારત પાછા ફરવા પર  તેમના જીવને જોખમ હોવાનો હવાલો આપીને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ માંગી હતી અને વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર રહેવાની ઓફર કરી હતી.

જો આવી વિનંતીઓ સ્વીકારવામાં આવે તો, તપાસ અને આગામી ટ્રાયલમાં કોઈ પવિત્રતા બાકી રહેશે નહીં, એમ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (એસીજેએમ) અભિજીત સોલાપુરે (એસ્પ્લેનેડ કોર્ટ) એ ગયા અઠવાડિયે તેમની અરજી ફગાવી દેતા તેમના આદેશમાં ટિપ્પણી કરી હતી.

ગયા વર્ષની શરૃઆતમાં જ્યારે આ મોટું નાણાકીય કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના તત્કાલીન અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હિરેન ભાનુ અને તેમની પત્ની ગૌરી  ઈનચાર્જ હતા.

છેતરપિંડીના કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આથક ગુના શાખા (ઈઓડબ્લ્યુ) એ પાંચ વર્ષ (૨૦૨૦ અને ૨૦૨૫) દરમિયાન બંેંકમાંથી ૧૨૨ કરોડ રૃપિયાથી વધુની ઉચાપતનો આરોપ લગાવ્યો છે.

બેંકના તત્કાલીન સીઈઓ અને જનરલ મેનેજર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ કૌભાંડની તપાસ શરૃ થાય તે પહેલાં જ ભાનુ દંપતી ૨૬ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ભારત છોડીને યુનાઇટેડ કિંગડમ (યુકે) ગયા હતા.

  આરોપી દંપતીએ દાવો કર્યો હતો કે તેઓ અંગત કારણોસર ભારત છોડી ગયા હતા અને બેંંકમાં થયેલા છેતરપિંડી વિશે તેમને કોઈ જાણકારી નહોતી.

 પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો આરોપીને આવી સ્વતંત્રતા (વિડીયો લિંક દ્વારા હાજર થવાની) આપવામાં આવે તો તે આગળની તપાસ અને ટ્રાયલને ગંભીર રીતે નુકસાન પહોંચાડશે.

એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે નોંધ્યું હતું કે જાહેરનામું યોગ્ય રીતે પ્રકાશિત કરવામાં આવ્યું છે અને આરોપીઓને ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

પરંતુ નિર્દેશો મુજબ હાજર થવાને બદલે આરોપીએ અનેક રાહતો મેળવવા માટે હાજર અરજી દાખલ કરવાનું પસંદ કર્યું, એમ આદેશમાં જણાવાયું છે.

 આખી અરજી આ આરોપીઓના મોટા અહંકારની ગંધ આપે છે,એમ કોર્ટે નોંધ્યું  હતું.