Mumbai

યુગલે ફર્સ્ટ એસી કૂપેમાં સુહાગ રાત માટે ડેકોરેશન કરાવ્યું ઃ ટીટીઈ સસ્પેન્ડ

By GS Team
10 Jul 20263 mins read
TukuTouch Logo
મુંબઈ આવતી નંદીગ્રામ એક્સપ્રેસ ટ્રેનમાં નવદંપતીએ ફર્સ્ટ AC કોચને બલૂન્સ, ફૂલ અને 'આઈ લવ યુ'ના લખાણથી શણગારી 'હનીમૂન એક્સપ્રેસ' બનાવી હતી. આ વીડિયો વાયરલ થતાં રેલવેએ તપાસ હાથ ધરી હતી. અનધિકૃત ડેકોરેટરને કોચમાં પ્રવેશ આપવા બદલ TTEને સસ્પેન્ડ કરાયા છે. રેલવે અધિનિયમ હેઠળ ડેકોરેટર સામે પણ કાર્યવાહી શરૂ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

યુગલે ફર્સ્ટ એસી કૂપેમાં સુહાગ રાત માટે ડેકોરેશન કરાવ્યું ઃ ટીટીઈ  સસ્પેન્ડ

મુંબઈ આવતી  ટ્રેન  હનીમૂન એક્સપ્રેસ બની, વીડિયો વાયરલ

કોચને બલૂન્સ, ફૂલની પાંખડીઓ, આઈ લવ યુનાં લખાણ સાથે સજાવાયો ડેકોટેરટને કોચમાં  ગેરકાયદે પ્રવેશ આપવા બદલ ટીટીઈ સામે પગલાં

મુંબઈ  -  બલહારશાહથી મુંબઈના સીએસએમટી આવતી નંદીગ્રામ એક્સપ્રેસ ટ્રેનમાં  ફર્સ્ટ એસી કોચમાં કૂપે બૂક કરાવનારાં નવપરણિત દંપતીએ તેમના કૂપેમાં સુહાગરાતના કક્ષ જેવું ડેકોરેશન કરાવતાં તેનો વીડિયો વાયરલ થયો હતો. ભારતીય રેલવે શું આ રીતે સુહાગરાત  કે હનીમૂન માટે કોચ ભાડે આપે છે ? તેવા સવાલો સાથે સોશિયલ મીડિયા પર સવાલો પૂછાતાં રેલવેએ તપાસના આદેશો છોડયા હતા અને કોચ સજાવવા માટે એક ડેકોરેટરને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશવા દેવા  બદલ ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનરને સસ્પેન્ડ કરી દીધા હતા.

દક્ષિણ  મધ્ય રેલવે (એસસીઆર) ના જણાવ્યા મુજબ, ૬ જુલાઈએ ટ્રેન નં. ૧૧૦૦૨ નંદીગ્રામ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક નવદંપતીએ રેલવે પાસેથી કોઈપણ સત્તાવાર પરવાનગી લીધા વિના મુસાફરી દરમિયાન તેમના કુપને શણગારવા માટે  ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ખાનગી ડેકોરેટરને બુક કર્યો હતો.

આ બાદ  જાલના સ્ટેશન પરથી ડેકોરેટર કોઈ સત્તાવાર મંજૂરી વિના ફર્સ્ટ એસી કોચમાં પ્રવેશ્યો હતો અને સમગ્ર કૂપેને સજાવી દીધી હતી. કોચમાં વ્હાઈટ તથા રેડ બલૂૂન્સ, ફૂલની પાંખડીઓ વગેરેનો શણગાર કરાયો હતો. કોચમાં આઈ લવ યુનાં લખાણની સજાવટ કરવામાં આવી હતી. 

જોકે,સંબંધિત ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ આ શણગારેલા કોચનો વીડિયો  સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. હનીમૂૂન કોચનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર તરત વાયરલ થયો હતો. કેટલાય લોકોએ રેલવે પર સવાલોની ઝડી વરસાવી હતી અને આ રીતે કોચ ભાડે અપાય છે કે કેમ તે પૂછ્યું હતું. બીજી તરફ કેટલાક લોકોએ કપલના આઇડિયાને બિરદાવ્યો હતો અને રેલવેએ ખરેખર આવી સગવડ આપવી જોઈએ તેવી કોમેન્ટ કરી હતી.

જોકે, રેલવે તંત્રએ આ ઘટના બાદ તપાસ કરી હતી. કપલ પાસે તો અધિકૃત રેલવે ટિકિટ હતી પરંતુ તેમણે ઓનલાઈન સર્ચ કરીને બોલાવેલા ડેકોરેટરને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ અપાયાનું જાણવા મળ્યું હતું.   રેલવેના નિયમો મુજબ અનધિકૃત વ્યક્તિને આરક્ષિત એસી કોચમાં પ્રવેશવાની મંજૂરી નથી. રેલવેએ આ ડેકોટેરટરની કોચમાં એન્ટ્રી ગંભીર સુરક્ષા ચૂક ગણી ટિકિટ ચેકર ગીરીશ કુમારને સસ્પેન્ડ કરી દીધા હતા.

પ્રાથમિક તપાસમાં આ સમગ્ર ઘટનાને ગંભીર સુરક્ષા ચૂક તરીકે જોવામાં આવી હતી અને ફર્સ્ટ એસી કોચના સંબંધિત ટિકિટ ચેકરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. વધુમાં વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ ડેકોરેટર સામે પણ રેલવે અધિનિયમ હેઠળ અનધિકૃત પ્રવેશ, માન્ય ટિકિટ વિના મુસાફરી અને રેલવે પરિસરમાં ગેરકાયદે પ્રવેશ બદલ કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. તપાસમાં અન્ય કોઈ કર્મચારીની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ યોગ્ય પગલાં ભરવામાં આવશે, તેમ રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું હતું.

ડેકોરેટર કંપનીના અઝાર શેખે જણાવ્યું હતું કે આ યુગલ છત્રપતિ સંભાજનગરથી કાર દ્વારા જાલના આવ્યું હતું અને ત્યાંથી તેમણે આ ટ્રેન પકડી હતી. તેમણે સોશિયલ મીડિયા પર સર્ચ કરીને અમારો સંપર્ક સાધ્યો હતો આથી અમારા    સ્ટાફે જાલના સ્ટેશન જઈ કોચને શણગારી આપ્યો હતો. અમારા કારણે ટીટીઈ સસ્પેન્ડ થઈ જશે તેવી અમને ખબર ન હતી.