Mumbai

ફૂટબોલ કલબોના નામે યુવકોને આતંકી નેટવર્કમાં જોતરવાનું કાવતરું

By GS Team
20 Feb 20262 mins read
ફૂટબોલ કલબોના નામે યુવકોને આતંકી નેટવર્કમાં જોતરવાનું કાવતરું

યવતમાળ, અહિલ્યાનગરમાં એટીએસના દરોડામાં પર્દાફાશ

ક્લબોમાં જોડાતા ખેલાડીઓમાંથી અમુકને અલગ તારવીને તેમનું બ્રેઈનવોશિંગ કરાતું હતું : કેટલાક યુવકોને મહારાષ્ટ્ર બહાર મોકલાયા

મુંબઇ: મહારાષ્ટ્ર  એન્ટીટેરરિઝમ સ્કવોડ (એટીએસ)એ યવતમાળ અને અહિલ્યાનગર જિલ્લાઓમાં ફૂટબોલમાં રસ ધરાવતા મુસ્લિમ યુવાનોને નિશાન બનાવતા શંકાસ્પદ કટ્ટરપંથી કરણના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ બાબતની તપાસમાં એવી ચોકાવનારી માહિતી સામે આવી હતી કે યવતમાળના પુરુદ શહેરમાં જે છોકરાઓ/યુવાનો ફૂટબોલમાં રસ ધરાવતા હતા અથવા રમતગમતમાં સક્રીય સામેલ હતા તેમને પસંદગીપૂર્વક આળખીને નિશાન બનાવવામાં આવતા  હતા.

પુરુદમાં  ફૂટબોલ તરફ આકર્ષાતા મુસ્લિમ તરુણોની સંખ્યા નોંધપાત્ર છે અને આ વિસ્તારમાં ઘણી સ્થાનિક કલબો કાર્યરત છે. અધિકારીઓને  શંકા છે કે ફૂટબોલ સંબંધિત ચોક્કસ પ્લેટફોર્મનો ઉપયોગ સંવેદનશીલ યુવાનોને ઓળખવા પ્રભાવિત કરવા અને તેમને કટ્ટરપંથી બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે કેટલાક તરુણોને શંકાસ્પદ કટ્ટરપંથી પ્રક્રિયાના ભાગરૂપે મહારાષ્ટ્રની બહાર મોકલવામાં આવ્યા હતા. જેનાથી સુરક્ષા અંગેની ચિંતા વધુ ઘેરી બની છે.

યવતમાળ અને અહિલ્યાનગર જિલ્લામાં ૨૧ સ્થળોએ હાથ ધરવામાં આવેલા આતંકવાદ વિરોધી ટુકડીના સર્ચ ઓપરેશન દરમિયાન કથિત  પ્રવૃત્તિઓની વિગતો બહાર આવી હતી. જોકે હજી સુધી કોઇ કેસ નોંધવામાં આવ્યો નથી. આ મામલો વિગતવાર તપાસ હેઠળ છે. અધિકારીઓએ જણાવ્યુ ંહતું કે આગળની કાર્યવાહી દરોડા દરમિયાન જપ્ત કરાયેલી સામગ્રીના વિશ્વેષણ પર આધાર રાખે છે. જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો, સીસીટીવી ફૂટેજ અને ગુનાહિત શંકાસ્પદ દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

એટીએસએ અહિલ્યાનગરના એક સ્થળેથી તલવારો, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અનેક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત અનેક  સ્થળોએથી સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા છે. હાલમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી  હિલચાલ, મીટિંગ્સ અને સંભવિત નેટવર્ક્સને  શોધવા માટે તેની તપાસ કરવામાં આવી રહી છે.

અધિકારીઓએ ઉમેર્યું હતું કે એટીએસની શોધખોળ દરમિયાન એકત્રિત કરાયેલા પુરાવાઓનું વિશ્વેષણ કરવાનું ચાલું છે અને આ તપાસના તારણોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.