Mumbai

પોલિસી પોર્ટ કરતાં પહેલાં તમામ તબીબી રેકોર્ડ મેળવવાની જવાબદારી કંપનીની ઃ કોર્ટ

By GS Team
4 Feb 20262 mins read
પોલિસી પોર્ટ કરતાં પહેલાં તમામ તબીબી રેકોર્ડ મેળવવાની જવાબદારી કંપનીની  ઃ કોર્ટ

વીમા યોજના પોર્ટેબિલિટીને લઈને મહત્ત્વનો ચુકાદો

પોર્ટેબિલિટી સ્વીકારીને પ્રીમિયમની રકમ લીધા બાદ વિગતો છૂપાવ્યાનું બહાનું કાઢીને દાવો નકારી શકે નહીં

મુંબઈ - આરોગ્ય વીમા પોલિસી પોર્ટ કરતી વખતે વીમા કંપનીએ જ ગ્રાહકના મેડિકલ રેકોર્ડઝની સંપૂર્ણ વિગતો મેળવી લેવાની તકેદારી રાખવી આવશ્યક છે.  કંપનીઓ   પ્રીમિયમ સ્વીકાર્યા બાદ  ગ્રાહકે આગલી બીમારીની વિગતો છૂપાવી હોવાનું બહાનું કાઢીને વીમો નકારી શકાશે નહીં, એવો ચુકાદો હાઈ કોર્ટે આપ્યો છેે. આ બાબતે વીમા કંપનીના કર્તવ્યને કોર્ટે અધોરેખિત કર્યું છે. સાથે જ કાયદાનુસાર પોર્ટેબિલિટી એ યોજના ધારકોને કાનૂની અધિકાર હોવાનું સ્પષ્ટ કર્યું હતું. 

કેર હેલ્થ ઈન્શ્યુરન્સ લિ.એ કરેલી અરજી ફગાવીને કોર્ટે વીમા કંપનીને તેના કર્તવ્યની યાદ અપાવી હતી.કંપનીને પોર્ટ કરેલી યોજના હેઠળ દાવો મંજૂર કરવાનો આદેશ આપતા વીમા લોકપાલના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

એક વાર વીમા કંપનીએ પોર્ટેબિલિટીની વિનંતી સ્વીકાર્યા બાદ તે બાબતે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય  છે એમ અરજી ફગાવતાં કોર્ટે ૨૩ જાન્યુઆરીના આદેશમાં જણાવ્યું હતું.

સ્ટારહેલ્થે મૂળ જારી કરેલા આરોગ્ય વીમા યોજના સંબંધી આ વિવાદ હતો. સંબંધીત યોજનાધારકને ટોન્સિલ પર જખમ નહીં મટતું હોવાનો તબીબી ઈતિહાસ હતો. જખમનું નિદાન કેન્સર હોવાનું જણાયું હતું. ૨૦૨૧માં કીમોથેરાપી લીધા બાદ ઉપચારનો ખર્ચ મૂળ વીમા કંપનીએ  ચૂકવ્યો હતો અને દાવા મંજૂર કર્યા હતા. જાન્યુઆરી ૨૦૨૨માં ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ઈરડા)એ નિર્ધારીત કરેલી પોર્ટેબિલીટી યંત્રણા હેઠળ યોજના કેર હેલ્થ ઈન્શ્યોરન્સને પોર્ટ કરાઈ હતી.જેમાં ૧૩ જાન્યુઆરી ૨૦૨૨થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ સુધીનું કવચ અપાયું હતું.

આ દરમ્યાન વીમાધારકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને પત્નીએ પોર્ટ કરેલી યોજના હેઠળ દાવો કર્યો હતો. પોર્ટિંગના સમયે વીમાધારકે કેન્સરના ઈતિહાસની માહિતી આપી નહોવાનો દાવો કરીને કેર હેલ્થ કંપનીઅ ેદાવો નકાર્યો હતો. વીમા લોકપાલે ગ્રાહકની તરફેણમાં નિર્ણય આપ્યો અને તબીબી અને દાવાના ઈતિહાસની ચકાસણી કરવાની જવાબદારી નવી વીમા કંપનીની હોવાનું જણાવ્યું હતું. આ ચુકાદાને કંપનીએ પડકાર્યો હતો.

જો કંપનીને જરૃરી માહિતી મળી શકી નહોતી તો તેમણે પોર્ટેબિલિટીની વિનંતી નકારવી જોઈતી હતી. હપ્તો સ્વીકાર્યા બાદ યંત્રણામાં ખરાબીનું કારણ આપીને જવાબદારી નકારી શકાય નહીં, એમ કોર્ટે જણાવ્યું હતું. પોર્ટેબિલિટી એ નવો પ્રસ્તાવ તરીકે માની શકાય નહીં ત્રાસમુક્ત હસ્તાંતરણ કરવા માટે આ સુવિધા છે, એમ કોર્ટે નોંધ કરી હતી.