મુંબઇમાં તહેવારોના દિવસોમાં નાળિયેરના ભાવ ઊંચકાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાશી એપીએમસીમાં આવકમાં ઘટાડો
પૂજા તથા મીઠાઈમાં બહોળા વપરાશથી શ્રીફળની કિંમત ૫૫ રૃપિયા સુધી પહોંચી
મુંબઇ - મુંબઇ પવિત્ર શ્રાવણ માસ અને તહેવારોના દિવસોમાં નાળિયેરના ભાવ ઉંચકાયા છે. નૈવેદ, પ્રસાદ, મોદક, મીઠાઇ અને વિવિધ ખાદ્યપદાર્થમાં નાળિયેરનો વપરાશ વધવાને કારણે આકાર અનુસાર શ્રીફળની કિંમત ૩૫થી ૫૫ સુધી પહોંચી છે.
દાદર, પરેલ અને લાલબાગની બજારપેઠમાં નાળિયેરનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જુલાઇની શરૃઆતમાં હોલસેલના નાળિયેરના ભાવ ક્વિન્ટલ (૧૦૦ કિલો) દિઠ ૩૨૬૦ રૃપિયા હતો. ત્યાર પછી ભાવ ૪,૩૮૦ પર પહોંચ્યો હતો. જ્યારે ઓગસ્ટની શરૃઆતમાં નાળિયેરની ક્વિન્ટલ દિઠ કિંમત ૩,૬૧૦ રૃપિયાની આસપાસ નોંધાઇ હતી.
નાળિયેરના વેપારીઓના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ભારતમાંથી અને અન્ય રાજ્યોમાંથી નાળિયેરોનો બધો માલ સીધો નવી મુંબઇની વાશી એ.પી.એમ.સી.માં આવતો હતો. જ્યારે હવે ઘણી કંપનીઓ અને મોટા વેપારીઓ ખુદ બહારગામ જઇને સીધેસીધી ખરીદી કરી આવે છે. આને લીધે વાશી માર્કેટમાં પ્રમાણમાં ઓછો માલ આવે છે પરિણામે ભાવ વધે છે. બીજું તહેવારોમાં ખૂબ જ ડિમાન્ડ રહેતી હોવાથી નાળિયેર મોંઘા થતા જાય છે. હોલસેલ માર્કેટની સરખામણીએ રિટેલરો અનેક ગણો નફો ચડાવી નાળિયેર વેંચે છે.




