ફેરપરીક્ષા યોજાય તે માટે ડ્રગ ઈન્સ્પેક્ટર ભરતીનું પેપર ફૂટયાનો દાવો કર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રમાં વધુ એક પેપર લીક મુદ્દે દોડધામ મચી
૧૨ લાખમાં પેપર વેંચાયું અને વ્હોટસ એપ પર પ્રશ્નો મોકલાયાનો દાવો કરનારા બે ફરિયાદીઓ બાદમાં ફરી ગયાઃ એમપીએસસીએ પણ આરોપો ફગાવ્યા
મુંબઈ - નીટ અને ટીઈટીના પેપર લીકનો મામલો હજુ તાજો છે. ત્યારે મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર લોકસેવા આયોગ (એમપીએસસી) દ્વારા લેવામાં આવેલી ડ્રગ ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષાને લઈને પેપર લીકના ગંભીર આક્ષેપોથી ધમાલ મચી ગઈ હતી. જોકે, નાટયાત્મક ઘટનાક્રમ રુપે બાદમાં બે ફરિયાદીઓએ પોતે ખોટા આક્ષેપો કરક્યાનું કબૂલી લીધું હતું.
ગત ૨૨ માર્ચે યોજાયેલી મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) ડ્રગ ઈન્સ્પેક્ટર પરીક્ષાના બે દિવસ પહેલા જ ઉમેદવારોને ૧૦૦માંથી ૯૦ પ્રશ્નો વોટ્સએપ પર મોકલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અહિલ્યાનગર સ્થિત પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્રનું સીલ પહેલેથી જ તૂંટેલું હોવાનો દાવા પણ કરાયો હતો. પેપર ૧૨ લાખમાં વેંચાયું હોવાનો આક્ષેપ થયો હતો.
આ સંદર્ભમાં તેઓએ એમપીએસસી અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને લેખિત ફરિયાદ નોંધાવી હતી. આમાં તપાસની માંગણી કરવામાં આવી હતી.
એમપીએસસી (એમપીએસસી) પ્રશાસને આ મામલે ગંભીર નોંધ લીધી હતી અને સમ્રગ ઘટનાની તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવી હતી. તથા ફરિયાદીને તમામ પુરાવાઓ રજૂ કરવા નિવેદનો નોંધાવવા માટે જણાવ્યું હતું.
દરમિયાન એનસીપી (શરદ પવાર જૂથ)ના ધારાસભ્ય રોહિત પવાર અને શિવસેનાના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના ઉપનેતા સુષ્મા અંધારેએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી અને પરીક્ષા પ્રક્રિયાની નિષ્પક્ષતા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
જોકે, આજે સાંજ સુધીમાં આ ફરિયાદ કરનારા લોકેશ પાટીલ તથા ગૌરવ પાટીલે પોતાની ફરિયાદમાં તથ્ય નથી અને પોતાની પાસે કોઈ પુરાવા પણ નથી તેવું સ્વીકારી લીધું હતું. તેમના જણાવ્યા અનુસાર નજીકના ભવિષ્યમાં ફરી ભરતી નહીં થાય તેવું લાગતાં તેમણે ફેર પરીક્ષા થાય તે માટે આ દાવા કર્યા હતા.
જોકે, આયોગે અગાઉ જ પેપર લીકના દાવા ફગાવ્યા હતા. એટલું જ નહિ ખોટા આરોપો કરનારા સામે પોલીસ ફરિયાદની પણ તજવીજ હાથ ધરાઈ હતી.









