Mumbai

ડીપી પાસે બોલ લેવા ગયેલાં બાળકને કરંટ લાગતાં મોત

By GS Team
19 Mar 20262 mins read
ડીપી પાસે બોલ લેવા ગયેલાં બાળકને કરંટ લાગતાં મોત

ડોમ્બલિસમાં  રમત રમતમાં દુર્ઘટના

લોકોની નજર સામે જ થાંભલા સાથે ચોંટી ગયોઃ ખુલ્લા કેબલો સામે રોષ

મુંબઇ  -  ડોમ્બિવલી (ઇ)ના ગોગ્રાસવાડી જીજાઇનગર વિસ્તારમાં  સાત વર્ષના માસૂમ બાળક કૃષ્ણા સંજય યાદવનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.  પોતાની નજર સામે બાળકનો આવો અંત જોઇને યાદવ પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

પ્રાપ્ત વિગત અનુસાર કૃષ્ણાના પિતા સંજય યાદવ ટેમ્પો ડ્રાઇવર છે અને વિઠ્ઠલકૃપા બિલ્ડિંગમાં રહે છે. સ્કૂલમાં રજા હોવાથી કૃષ્ણા તેના મિત્રો સાથે બિલ્ડિંગ પાછળની એક ખુલ્લી જગ્યામાં રમી રહ્યો હતો. રમતા-રમતા તેનો બોલ પાસેની  યમુના અર્જુન સોસાયટી સામે ખૂણા પર આવેલા મહાવિતરણના ઇલેક્ટ્રિક ફીડર પિલર (ડીપી) પાસે ગયો હતો. આ સમયે બોલ કાઢવા ગયેલા કૃષ્ણાનો હાથ ભૂલથી ફીડર પિલરને સ્પર્શી જતા તેને કરંટ લાગ્યો હતો. આ કરંટ એટલો જોરદાર હતો કે તે થાંભલા સાથે જ ચોટી ગયો અને ત્યાંજ બેભાન બની ગયો હતો.

કૃષ્ણાને થાંભલા સાથે ચોંટી ગયેલો જોઇને વિસ્તારના રહેવાસીઓ તાત્કાલિક તેને બહાર કાઢવા દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક પાસેની સ્ટાર કોલોનીમાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો જ્યાં ડૉકટરોએ તેને તપાસી મૃત ઘોષિત કર્યો હતો. આ  ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાસ્ત્રી નગર હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેનો મૃતદેહ તેના પરિવાહજનોને સોંપવામાં આવ્યો હતો.

ડોંમ્બિવલી-તિલકનગર પોલીસ મથકમાં આ સંદર્ભે અકસ્માત મૃત્યુ (એડીઆર) નોંધવામાં આવી હતી. કૃષ્ણાના પિતા સંજ્યએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના પુત્રના મૃત્યુ અંગે તેમને કોઇની સામે શંકા કે ફરિયાદ નથી. જોકે આ ઘટનાને કારણે મહાવિતરણના ખુલ્લા વિજળીના વાયરો, કેબલ અને થાંભલા અંગે નાગરિકોમાં રોષ વ્યાપી ગયો હતો અને આ સમસ્યાનો સત્વરે અને કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી હતી.