કોસ્ટલ રોડ ટનલમાં કાર સળગી, સેંકડો લોકો ત્યાં જ ગાડીઓ છોડી બહાર ભાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોસ્ટલ રોડ ટનલમાં ભરબપોરે ફિલ્મી દ્રશ્યો, ચીસાચીસ સાથે અરાજકતા
ટનલમાં આગની જવાળા અને ધૂમાડા જોઈ લોકો કારમાંથી બહાર નીકળી ભાગવા જ લાગ્યાઃ સમગ્ર કોસ્ટલ રોડ પર કલાકો સુધી જામ
કેટલાક લોકો ટનલમાં પ્રવેશ્યા, સામેથી અનેક લોકોને આગ..આગની ચીસો સાથે તેમની દિશામાં ધસી આવતા જોઈ તેઓ પણ ડરીને ભાગ્યા
મુંબઈ - કોસ્ટલ રોડ ટનલમાં હાજીઅલીથી વરલી જવાની લેન પર ચાલુ કારે આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. અનેક વાહનોએ ઉલ્ટી દિશામાં એક્ઝિટ લેવા પ્રયાસ કર્યો હતો તો સેંકડો વાહનચાલકો કાર ટનલમાં જ છોડી ભાગવા લાગ્યા હતા. ટનલમાં આડેધડ કારો ખડકાઈ જતાં તથા અંધાધૂંધી સાથે ભાગદોડ મચી જતાં ભારે અરાજકતા સર્જાઈ હતી. સમગ્ર કોસ્ટલ હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આગ ૨૦ મિનિટમાં કાબુમાં આવી ગઈ હતી પરંતુ નુકસાન પામેલી કારને ખસેડવા સહિતની કાર્યવાહીમાં વિલંબ થતાં લાંબા સમય સુધી કોસ્ટલ રોડ તથા તેના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર વાહનોની કતાર લાગી ગઈ હતી.
એક વાહન ચાલકે સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટ અનુસાર તેણે વરલી તરફથી ટનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ વખતે તેમણે સામેની દિશામાંથી અનેક લોકોને 'આગ લાગી છે..આગ લાગી છે..' તેવી બૂમો સાથે પોતાની તરફ દોડતા આવતા જોયા હતા. કેટલાય લોકો પોતાનાં વાહનો છોડીને ભાગવા લાગ્યા હતા. તેના કારણે એક્ઝિટ જામ થઈ ગઈ હતી. અનેક બિલ્ડિંગમાં ફાયર એક્ઝિટ રુટ અપાયેલા હોય છે તેવો રુટ ટનલમાં છે કે નહિ અને હોય તો વાહનચાલકોને તે સ્પષ્ટ રીતે દર્શાવાયો છે કે નહીં તે એક સવાલ છે. તેના જણાવ્યા અનુસાર ટનલમાં આવા બનાવ માટે કોઈ પૂર્વ તાલીમ કે તૈયારી હોય તેવું જણાયું ન હતું. તેના કારણે ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. અન્ય એક સોશિયલ મીડિયા યૂઝરે જણાવ્યું હતું કે પોતે ટનલમાં હતા ત્યારે આગની બૂમો સાંભળી હતી. તે પછી તેમને દૂર જવાળા પણ દેખાઈ હતી. તે વખતે પેનિક રિએક્શન એવું હતું કે પોતે પણ કાર છોડીને સીધા બહારની તરફ ભાગવા માંડયું હતું. કોઈ જોખમ લેવાની પોતાની તૈયારી ન હતી. પોતાની સાથે બીજા કેટલાય લોકો મુઠ્ઠીઓ વાળીેને એક્ઝિટ તરફ ભાગી રહ્યા હતા. આટલાં વર્ષોમાં આવો અનુભવ પોતાને નહીં થયો હોવાનું તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના હાજી અલીથી વરલી તરફ ટ્રાફિક લઈ જતી દક્ષિણ તરફની ટનલમાં બની હતી.સળગતી કાર પાછળ અનેક વાહનો ફસાયેલા હતા. આ બનાવથી ટનલની અંદરના મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.ઘણા વાહનચાલકો તેમના વાહનો છોડીને નજીકના એક્ઝિટ તરફ દોડી ગયા હતા. આ ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૃમને બપોરે લગભગ ૧૨-૨૫ વાગ્યે કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ, પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.બપોરે લગભગ ૧૨.૪૫ વાગ્યે આગ કાબુમાં આવી હતી.




