ઉદ્યોગપતિ સાથે ડિજીટલ ધરપકડના નામે આઠ કરોડની સાયબર છેતરપિંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અંધેરીમાં દિલ્હી પોલિસ હોવાનો ડોળ કરીને છેતરપિંડી
બે અઠવાડિયા સુધી ફરિયાદીને માનસિક દબાણ હેઠળ ડિજીટલ ધરપકડ હેઠળ રાખીને પૈસા પડાવ્યા
મુંબઈ - અંધેરી વિસ્તારમાં ટુર્સ અને ટ્રાવેલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા ૭૩ વર્ષીય ઉદ્યોગપતિ સાથે ડિજિટલ અરેસ્ટના નામે રુ. ૭.૮૯ કરોડની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હતી. સાયબર ફ્રોડસ્ટરોએ પોતાને દિલ્હી પોલીસના અધિકારીઓ તરીકે ઓળખાવી વૃદ્ધ ઉદ્યોગપતિને લગભગ બે અઠવાડિયા સુધી માનસિક દબાણ હેઠળ ડિજીટલ ધરપકડ કરીને રાખીને પૈસા પડાવ્યા હતા. મુંબઈ સાયબર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આ છેતરપિંડી પાંચમી જુલાઈથી ૧૮ જુલાઈ દરમિયાન બની હતી. ઘટના મુજબ, પાંચમી જુલાઈએ ફરિયાદીને એક વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાને દિલ્હી પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને પીડિતને જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ સાથે સંકળાયેલા કરોડના મની લોન્ડરિંગ કેસમાં તમારા નામે એક બેંક એકાઉન્ટનો ઉપયોગ થયો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં આ રાષ્ટ્રીય સુરક્ષાને લગતો મામલો હોવાથી તે અંગે કોઈની પણ સાથે ચર્ચા ન કરવાની સૂચના સાયબર ઠગોએ આપી હતી. ત્યારબાદ તેમને સતત વીડિયો કોલ પર રાખીને કોઈ સાથે વાત ન કરવાની અને ફોન બંધ ન કરવાની તથા પોલીસની સૂચનાઓનું પાલન કરવાની ધમકી આપવામાં આવી હતી. આ રીતે તેમને કથિત રીતે બે અઠવાડિયા સુધી ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખીને માનસિક દબાણ હેઠળ રાખવામાં આવ્યા હતા.
આ બાદ કાનુની કાર્યવાહીનો ભય દેખાડીને આરોપીએ ફરિયાદીના બેંક ખાતા, મ્યુચ્યુઅલ ફંડ, ફિકસ્ડ ડિપોઝિટ્સ અને અન્ય રોકાણ સંબંધી વિગતો લીધી હતી અને પૈસા ટ્રાન્સફર કરવાની કહીને તપાસ બાદ તમામ પૈસા રિફંડ કરવાનું કહેવામાં આવ્યું હતું. ફરિયાદીએ સાયબર ફ્રોડસ્ટરોની વાતોમાં આવી જતાં વિવિધ બેંક ખાતાઓમાં રુ. ૭.૮૯ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી. જો કે, પૈસા ટ્રાન્સફર કર્યા બાદ પણ વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી.
આ બાદ ૧૭ જુલાઈના રોજ મુંબઈની સાયબર પોલીસ ઘરે પહોંચતા ફરિયાદી સાથે છેતરપિંડી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આથી ફરિયાદીએ મુંબઈ સાયબર પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બેંક વ્યવહારો, કોલ રેકોર્ડ અને અન્ય ડિજિટલ પુરાવાના આધારે તપાસ શરૃ હાથ ધરી હતી.









