Mumbai

સોહરાબ એન્કાઉન્ટરના 22 આરોપીઓના છૂટકારાને બોમ્બે હાઈકોર્ટની બહાલી

By GS Team
8 May 20262 mins read
સોહરાબ એન્કાઉન્ટરના 22 આરોપીઓના છૂટકારાને બોમ્બે હાઈકોર્ટની બહાલી

- ખાસ કોર્ટના ચુકાદાને પડકારતી સોહરાબના ભાઈઓની અપીલ ફગાવાઈ

- ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે તેવા ખાસ કોર્ટના ચુકાદાને પડકારવા સીબીઆઈએ ઈનકાર કર્યો હતો

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે ૨૦૦૫માં થયેલાં ગેંગસ્ટર સોહરાબુદ્દિન શેખ, તેની પત્ની કૌસર બી તથા તેના સાગરિત તુલસીરામ   પ્રજાપતિના  કથિત નકલી એન્કાઉન્ટરના કેસના બાવીસ આરોપીઓની મુક્તિને આજે બહાલી આપી હતી. એેેક ખાસ સીબીઆઈ અદાલત દ્વારા ૨૦૧૮માં  તેના ચુકાદામાં આ આરોપીઓને મુક્તિ અપાઈ હતી.  સોહરાબુદ્દિનના ભાઈઓ રુબાબુદ્દિન તથા નયાબુદ્દિનને ખાસ કોર્ટના  ચુકાદા સામે કરેલી અરજીને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી ચન્દ્રશેખકકર અને જસ્ટીસ  ગૌતમ અંખડની બેન્ચે આજે ફગાવી દીધી હતી. 

આ આરોપીઓમાં ગુજરાત તથા રાજસ્થાન પોલીસના ૨૧ જુનિયર લેવલના પોલીસ કર્મચારીઓનો સમાવેશ  થાય છે. આ આરોપીઓ સોહરાબ સહિત ત્રણેયનું અપહરણ કરી તેમનું કથિત રીતે નકલી એન્કાઉન્ટર કરી દેનારી ટીમમાં સામેલ હતા. જ્યારે અન્ય એક આરોપી ગુજરાતનાં એક ફાર્મ હાઉસનો માલિક છે. સોહરાબ તથા કૌસર બીને મારી  નાખતાં પહેલાં તેમને આ ફાર્મ હાઉસમાં  કેદ કરી દેવાયાં હોવાનો આક્ષેપ હતો. 

અગાઉ ૨૦૧૮માં ખાસ સીબીઆઈ અદાલતે  તેના ચુકાદામાં જણાવ્યું હતું કે સોહરાબ સહિત અન્યોને મારી નાખવા માટે કોઈ કાવતરું ઘડાયું હતું  કે પછી આ આરોપીઓની  તેમાં કોઈ રીતે ભૂમિકા હતી તેવું  પુરવાર કરવામાં  ફરિયાદ  પક્ષ નિષ્ફળ ગયો છે. 

સોહરાબના ભાઈઓએ આ ચુકાદા સામે  એપ્રિલ ૨૦૧૯માં હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આ અપીલની ગયાં વર્ષે સુનાવણી દરમિયાન સીબીઆઈએ હાઈકોર્ટને એમ જણાવ્યું હતું કે તેણે આરોપીઓને મુક્તિ આપતા ખાસ કોર્ટના આદેશને સ્વીકારી લીધો  છે અને તે આ ચુકાદાને પડકારવાની નથી.

હાઈકોર્ટના ચુકાદાની વિગતો તત્કાળ ઉપલબ્ધ કરાવાઈ ન હતી. સોહરાબુદ્દિનના ભાઈઓએ જણાવ્યું હતું કે વિગતવાર ચુકાદો મળ્યા બાદ જ તેઓ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં  પડકારવા  બાબતે નિર્ણય કરશે. 

નવેમ્બર ૨૦૦૫માં ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ  પાસે  સોહરાબુદ્દિનનું  કથિત રીતે નકલી એન્કાઉન્ટર  થયાનો આરોપ હતો. 

સોહરાબનાં એન્કાઉન્ટરના થોડા દિવસો બાદ તેની પત્ની કૌસર બી ને મારી નાખવામાં આવી  હોવાનો આરોપ હતો. 

એક વર્ષ બાદ ડિસેમ્બર ૨૦૦૬માં એક મહત્વના સાક્ષી  એવા  તુલસીરામ  પ્રજાપતિનું એન્કાઉન્ટર થયું હોવાનો આરોપ હતો. 

સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ આ કેસની તપાસ સીબીઆઈને સુપરત કરવામાં આવી હતી તથા તેની ટ્રાયલ  મુંબઈ શિફ્ટ કરવામાં આવી હતી.