Mumbai

ગોવા સરકારે તરૃણ તેજપાલને છોડવા સામે કરેલી અપીલ પર બોમ્બે હાઇકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો

By GS Team
31 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: 2013ના જાતીય હુમલા કેસમાં, પત્રકાર તરુણ તેજપાલને ટ્રાયલ કોર્ટ દ્વારા છોડી મુકાયા સામે ગોવા સરકારે અપીલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટની ગોવા બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળી ચૂકાદો અનામત રાખ્યો. તહેલકા એડિટરે ફરિયાદીને મોકલેલી માફીની ઇમેઇલને દોષનો સ્વીકાર ગણવો કે કેમ, તે મુદ્દે દલીલો થઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોવા સરકારે તરૃણ તેજપાલને છોડવા સામે કરેલી અપીલ પર બોમ્બે હાઇકોર્ટે ચૂકાદો અનામત રાખ્યો

૨૦૧૩ના જાતીય હુમલાના કેસમાં છૂટેલાં તેજપાલ સામે સરકારે અપીલ કરેલી

બંને પક્ષે તહેલકાના એડિટરે ફરિયાદીને મોકલેલી માફીની ઇમેઇલને દોષ ભાવનાનો સ્વીકાર ગણવા વિશે દલીલો કરી

મુંબઈ - ૨૦૧૩ના જાતીય હુમલાના કેસમાં પત્રકાર તરૃણ તેજપાલને ટ્રાયલ કોર્ટ દ્વારા છોડી મુકવામાં આવ્યા તેની સામે ગોવા સરકારે કરેલી અપીલ પર બોમ્બે હાઇકોર્ટે તેનો ચૂકાદો ગુરૃવારે અનામત રાખ્યો હતો. બોમ્બે હાઇકોર્ટની ગોવા બેન્ચના જસ્ટિસ ડો. નીલા ગોખલે અને જસ્ટિસ અમિત જામસાંડેકરે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ  તેમનો ચૂકાદો અનામત રાખ્યો હતો. બેન્ચે ચૂકાદો ક્યારે જાહેર કરવામાં આવશે તે જણાવ્યું નહોતું. બંને પક્ષે તહેલકાના એડિટરે ફરિયાદીને મોકલેલી માફીની ઇમેઇલને દોષ ભાવનાનો સ્વીકાર ગણવો કે કેમ તે વિશે સામસામે દલીલો કરી હતી.

ગોવા સરકાર વતી વિડિયોલિન્ક દ્વારા હાજર રહેલાં ભારતના સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે ફરિયાદીના વર્તનનું આકલન કરવામાં ટ્રાયલ કોર્ટે ગંભીર ભૂલ કરી છે. બળાત્કારનો ભોગ બનેલી વ્યક્તિનો પ્રતિભાવ કેવો હોય તેનું કોઇ સ્વીકાર્ય ધોરણ નિશ્ચિત નથી. દરેક વ્યક્તિનો પ્રતિભાવ તેના શિક્ષણ, વ્યક્તિત્વ અને સંજોગો અનુસાર જુદો જુદો હોઇ શકે છે. ફરિયાદી શિક્ષિત, સ્વતંત્ર મહિલા પત્રકાર હોઇ તેના પર કહેવાતા જાતીય હુમલા બાદ પણ તેની ફરજ બજાવવાની ચાલુ રાખી તેને આધારે તેની વિશ્વસનીયતા પર શંકા ન કરવી જોઇએ. મહેતાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ બનાવ બાદ વિવિધ સંદેશાવ્યવહારમાં તેનું વલણ એકધારું જાળવી રાખ્યું હતું.

મહેતાએ તેજપાલે ફરિયાદીને મોકલેલી ઇમેઇલનો હવાલો આપી આ ઘટના બની હોવાનું અને તેમાં  તે દોષી હોવાનું તારણ કાઢી જણાવ્યું હતું કે બચાવ પક્ષનું વલણ કે આ ઘટના હોટલની લિફ્ટમાં બની હોવાના સાથે મેળ ખાતી નથી. જો કશું બન્યું ન હોય તો શરમ અને દોષભાવના  ઇમેઇલમાં વ્યક્ત કરવાની કોઇ જરૃર નહોતી.

તેજપાલના વકીલ આબાદ પોન્ડાએ આ દલીલોનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે તેજપાલની માફીની ઇમેઇલને આધારે જાતીય હુમલા થયો હોવાનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેજપાલની માફીની ઇમેઇલમાં ક્યાંય સંમતિથી કે જાતીય હુમલાને કારણે સંબંધ બંધાયો હોવાનું કબૂલવામાં આવ્યું નથી. તેમણે તેમાં જાતીય વિષય બાબતે વાતચીત જ થઇ હોવાનું જણાવ્યું છે.  જો માફીની ઇમેઇલ એ જ જાતીય ઘટનાની કબૂલાત હોય તો સીસીટીવી ફૂટેજને પડકારવાની જ જરૃર ક્યાં હતી તેમ પોન્ડાએ જણાવ્યું હતું.

ગોવામાં તહેલકા મેગેઝિન દ્વારા સાત અને આઠ નવેમ્બર ૨૦૧૩માં યોજવામાં આવેલાં એક કાર્યક્રમમાં મહિલા સાથી પત્રકારે તરૃણ તેજપાલે તેની પર લિફ્ટમાં જાતીય હુમલો કર્યો હોવાનોઆરોપ મુક્યો હતો. ગોવાની માપુસા કોર્ટે ૨૦૨૧માં તમામ આરોપોમાંથી તેજપાલને છોડી મુક્યા હતા જેની સામે ગોવા સરકારે અપીલ નોંધાવી હતી.