Mumbai

બોલિવુડ સ્ટાઈલ બદલોઃ છ માસની વયે પિતાની હત્યાઃ, ૨૩ વર્ષે વેર વાળ્યું

By GS Team
22 Jul 20262 mins read
TukuTouch Logo
પુણેના ભોરમાં 24 વર્ષના યુવકે 23 વર્ષ પહેલાં પિતાની હત્યા કરનારનો બદલો લીધો. બાળપણથી જ પિતાના હત્યારાને પતાવી દેવાનું ધ્યેય રાખી, 6 મહિનાના બાળક મંથન વૈદ્યએ તેના પિતા દિનેશ વૈદ્યના હત્યારા સંજય કડુ-દેશમુખને મિત્રો સાથે મળીને પતાવી દીધો. પોલીસે મંથન અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવુડ સ્ટાઈલ બદલોઃ છ માસની વયે પિતાની હત્યાઃ, ૨૩  વર્ષે વેર વાળ્યું

૨૪ વર્ષના યુવકે ૨૩ વર્ષ પહેલાં પિતાની હત્યા કરનારને પતાવી દીધો

બાળપણથી પિતાના હત્યારાને પતાવી દેવાનું એકમાત્ર ધ્યેયઃ પુણે જિલ્લાના ભોરનો ફિલ્મી કિસ્સો

મુંબઈ  -  બાળક નાનો હોય ત્યારે તેના પિતાની હત્યા થઈ હોય અને એ જ બાળક યુવાન થયા બાદ પિતાના હત્યારાને મોતને ઘાટ ઉતારે તેવી ટિપિકલ બદલાની  ફોર્મ્યૂલા ધરાવતી અનેક હિન્દી ફિલ્મો બની છે. પરંતુ, પુણેમાં બોલિવુડ ફિલ્મોની સ્ક્રિપ્ટ જેવી જ એક ઘટનામાં ૨૪ વર્ષના યુવકે ૨૩ વર્ષ પહેલાં થયેલી તેના પિતાની હત્યાનું બાળપણથી અત્યાર સુધી વેર ઘૂંટયા બાદ છેવટે હવે પિતાના હત્યારાને પતાવી દીધો હતો. આ યુવક જ્યારે છ માસનો જ હતો ત્યારે તેના પિતાની હત્યા થઈ અને તે સમજણો થયો ત્યારથી તેના પિતાની હત્યાનો બદલો લેવા ઈચ્છતો હતો.     

ગત     ૧૧ જુલાઈના રોજ પુણે જિલ્લાના ભોરમાં જૂની કાત્રજ  ટનલ પાસે  સંજય બાબુરાવ કડુ-દેશમુખની હત્યા કરાયેલી લાશ  મળી હતી. તેના પર ધારદાર શથી હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે રાજગઢ પોલીસે હત્યાનો કેસ નોંધ્યો હતો.

   પુણે ગ્રામીણ પોલીસની સ્થાનિક ગુના શાખાને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ વિશ્લેષણ અને ગુપ્ત માહિતીના આધારે તપાસ દરમિયાન ગુનામાં ૨૪ વર્ષના મંથન વૈદ્યઅને સૌરભ પરદેશીની સંડોવણીની જાણ થઈ હતી.

    બંનેને  પૂછપરછ દરમિયાન  તેમણે અન્ય  બે સાથીઓ  મિઝાન શેખ અને સંદીપ કોરીની મદદથી સંજય  કડુ-દેશમુખની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રમોદ ક્ષીરસાગરે જણાવ્યું હતું.

હત્યા કરવાનું કારણ પૂછાતાં મંથને ચોંકાવનારી કબૂલાત કરી હતી. તેણે કહ્યું હતું કે ૨૦૦૩માં તે ફક્ત છ મહિનાનો હતો ત્યારે સંજય કડુ-દેશમુખે નજીવી તકરારમાં તેના પિતા દિનેશ વૈધની હત્યા કરી હતી.  બાળપણથી તે આ હત્યાનો બદલો લેવા ઈચ્છતો હતો અને હવે આટલાં વર્ષે તેને આ તક મળી હતી.  અન્ય આરોપીઓ સાથે મળીને કડુ-દેશમુખને મારી નાખવાનું કાવતરું ઘડયું હતું.

ગુનાઈત ભૂતકાળ ધરાવતો સંજય કડુ દેશમુખ એક કેસમાં જામીન પર બહાર છૂટયો કે તરત જ મંથને લાગ જોઈને તેને પતાવી દીધો હતો.

 પોલીસે મંથન અને અન્ય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમ  હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ ચાલુ છે.