લોનાવાલા ટ્રેકિંગ માટે જવાનું કહી નીકળેલી વિદ્યાર્થિનીનો મૃતદેહ ખીણમાંથી મળ્યો

અકસ્માત કે આત્મહત્યા સહિતના એંગલથી તપાસ
કલ્યાણમાં કાયદાનો અભ્યાસ કરતી હતીઃ ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાંથી મૃતદેહ શોધવા માટે ડ્રોન કામે લગાડાયાં
મુંબઈ - નવી મુંબઈમાં રહેતી ૨૦ વર્ષીય કાયદાની વિદ્યાર્થિની જે ૩૦ જાન્યુઆરીથી ગુમ થઈ હતી. તેનો મૃતદેહ લોનાવલાના ટાઇગર પોઇન્ટ ખાતે ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાંથી મળી આવ્યો હતો. પુણે પોલીસે જણાવ્યું હતું કે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો.
પોલીસ આ કેસમાં આત્મહત્યાના એંગલથી તપાસ કરી રહી છે. પોલીસે કહ્યું છે કે શ્રેયા નરેન્દ્ર પાટીલે આ આત્યંતિક પગલું ભર્યું તેના પાછળ ઘરેલું તણાવ કારણ હોઈ શકે છે. રવિવારે સ્થાનિક ટ્રેકિંગ જૂથ શિવદુર્ગ મિત્ર ટ્રેકર્સે પાટીલના મૃતદેહને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાંથી બહાર કાઢ્યો હતો.
મૃતક શ્રેયા પાટીલ કલ્યાણમાં બીઆઇટીએસ લો સ્કૂલની વિદ્યાર્થિની હતી. તે ૩૦ જાન્યુઆરીના નવી મુંબઈના તેના ઘરેથી નીકળી હતી અને કહ્યું હતું કે તે લોનાવલામાં ડયુક્સ નોઝ ખાતે ટ્રેકિંગ માટે જઈ રહી છે અને સાંજે ૫ વાગ્યા સુધીમાં પાછી આવશે.
આ બાબતે લોનાવલા ગ્રામિણ પોલીસ મથકના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક દિનેસ તાયડેએ જણાવ્યું હતું કે 'જ્યારે તેના પરિવારે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન કવરેજથી બહાર હતો.' તેમણે આગળ ઉમેર્યું હતું કે સાંજે ૭.૩૦ વાગ્યાની આસપાસ છોકરીના પિતાનો ટાઇગર્સ પોઇન્ટ નજીક એક નાસ્તા વિક્રેતાનો ફોન આવ્યો હતો. જેણે કહ્યું હતું કે તેના સ્ટોલ પાસે એક બેગ મળી છે. જેમાં તેને શ્રેયાનું કોલેજનું આઇકાર્ડ મળ્યું છે.
આ ઘટના બાદ શ્રેયાના પિતાએ તેના મિત્રોને પૂછપરછ કરતા તેમને જાણવા મળ્યું હતું કે કોઈ તેની સાથે લોનાવલા ગયું નથી.
તપાસ મુજબ મૃતક શ્રેયા શુક્રવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ટાઇગર પોઇન્ટ પહોંચી હતી. બાદમાં તે ડયુક્સ નોઝ ગઈ હતી. બપોરે ૧.૩૦ વાગ્યાની આસપાસ તે રિક્ષામાં ટાઇગર પોઇન્ટ પર ફરી હતી. જ્યાં કથિત રીતે તેણે આત્મહત્યા કરી હોવાનું તાયડેએ જણાવ્યું હતું. તેમણે આગળ ઉમેર્યું હતીં કે કોઈ સુસાઇડ નોટ મળી નથી, પરંતુ ઘરેલું તણાવ તેના આત્યંતિક પગલા પાછળનું કારણ હોઈ શકે છે. શ્રેયાનો મૃતદેહ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવ્યો હતો.




