Mumbai

અક્ષય કુમારના આઇડિયાને અનુસરી બીએમસી યોજશે મુંબઈ ક્લીન લીગ

By GS Team
18 Mar 20261 min read
અક્ષય કુમારના આઇડિયાને અનુસરી બીએમસી યોજશે મુંબઈ ક્લીન લીગ

અક્ષય કુમાર બ્રાન્ડ એમ્બેસેડર બનશે 

સોસાયટીઓ,  શિક્ષણ સંસ્થાઓ તથા અન્ય એકમો ભાગ લઈ શકશેઃ  પ્રોપર્ટી ટેક્સમાં છૂટ સહિતનાં ઈનામો

મુંબઈ  -  મુંબઈના નાગરિકો સફાઈ માટે જાગૃત થાય તે માટે મહાપાલિકા દ્વારા  આઈપીએલની તર્જ  પર મુંબઈ ક્લીન લીગ સ્પર્ધા યોજાશે. જુદા જુદા વિસ્તારો તથા સોસાયટીઓ તેમાં  ભાગ લઈ શકશે. વિજેતાઓને એવોર્ડ ઉપરાંત પ્રોપર્ટી ટેક્સમાં છૂટછાટ જેવાં પ્રોત્સાહનો પણ અપાશે. આ સમગ્ર સ્પર્ધા માટે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર  બ્રાન્ડ એમ્બેસેડર બનશે. 

અક્ષય કુમારે આજે નવી  મુંબઈમાં  બીએમસી વડાંમથક ખાતે હાજર રહી આ સ્પર્ધાની જાહેરાત કરી હતી. તેણે દાવો કર્યો હતો કે આઈપીએલ જોયા બાદ તેને એવો વિચાર સ્ફૂર્યો હતો કે આવી જ સ્પર્ધા સફાઈ માટે પણ શહેરમાં યોજી શકાય છે. 

 આ સ્પર્ધા તત્કાળ શરુ  થશે. આગામી ડિસેમ્બર સુધી  તે ચાલશે. હાઉસિંગ સોસાયટીઓ, શાળાઓ,  સ્લમ પોકેટ્સ, હોટલો,  બગીચાઓ, જાહેર શૌચાલયો તથા અન્ય સંસ્થાઓ કે એકમો પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. દરેક સ્પર્ધક ટીમને એક ખાસ ક્યુઆર કોડ અપાશે. કેન્દ્ર સરકારની સંસ્થા મૂલ્યાંકન કરશે જ્યારે મહાપાલિકાનો  ઘનકચરા નિકાલ વિભાગ તેના પર દેખરેખ રાખશે.  શહેર અને અન્યત્ર ચાલી રહેલા ગેસ સિલિન્ડરની અછતની અસર અંગેના પ્રશ્નના જવાબમાં, અક્ષય કુમારે કહ્યું કે તેમની પત્નીએ ઇન્ડક્શન-આધારિત ઉપકરણોનો ઓર્ડર આપ્યો હતો, જોકે તેમને ખાતરી નહોતી કે તે ડિલિવરી થઈ છે કે નહીં.