મુંબઈમાં પ્રદૂષણ-મુક્ત દિવાળીના વીડિયોને લઈને હોબાળો, ભાજપના વાંધા બાદ BMCએ દિયા મિર્ઝાનો વીડિયો હટાવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BMC removes Diwali campaign video of Dia Mirza : મુંબઈમાં વધી રહેલા વાયુ અને ધ્વનિ પ્રદૂષણને લઈને જનજાગૃતિના ફેલાવવાના હેતુથી બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા એક વિશેષ પ્રદૂષણ મુક્ત દિવાળી અભિયાન શરૂ કરાયું હતું. બોમ્બે હાઇકોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને કોર્પોરેશને લોકોને જાહેરમાં ફટાકડા નહીં ફોડવા અંગે પણ સંદેશ આપી રહ્યું છે. આ સાથે તમામ નાગરિકોને ઈકો ફ્રેન્ડલી દિવાળી ઉજવવાની પણ અપીલ કરાઈ રહી છે. આ જનહિત અભિયાનના સંદેશને પ્રસારિત કરવા તંત્રએ જાણીતી હસ્તીઓ જેમ કે અભિનેત્રી દિયા મિર્ઝા, માધુરી દીક્ષિત, નિશિગંધા વાડ અને ક્રિકેટર અજિંક્ય રહાણેના વીડિયો શૂટ કરીને સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અપલોડ કરતા વિવાદ સર્જાયો છે.

ભાજપનો વિરોધ અને BMC દ્વારા વીડિયો દૂર કરવાનો નિર્ણય
આ અભિયાન શરૂ થયા બાદ, મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાટમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને અભિનેત્રી દિયા મિર્ઝાના અભિયાનમાં સામેલ થવા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આકરા શબ્દોમાં લખ્યું હતું કે, ‘દિયા મિર્ઝા @deespeak પાસેથી આપણે દિવાળી કેવી રીતે ઉજવવી તે શીખવાની કોઈ જરૂર નથી, આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિમાં સારી રીતે વણાયેલી છે.’ આ વિરોધ બાદ રાજકીય દબાણ વધતા, બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અશ્વિની ભીડેએ, રવિવારે તંત્રના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી, દિયા મિર્ઝાનો પ્રમોશનલ વીડિયો હટાવી લીધો, પરંતુ અન્ય હસ્તીઓ જેમ કે માધુરી દીક્ષિત અને અજિંક્ય રહાણેના વીડિયો હટાવાયા ન હતા.
મુંબઈના મેયરની આકરી ટીકા અને અન્ય નેતાઓની પ્રતિક્રિયા
આમ, દિયા મિર્ઝાનો વીડિયો હટાવ્યા બાદ આ વિવાદે ઉગ્ર રાજકીય રૂપ ધારણ કર્યું હતું. મુંબઈના મેયર ઋતુ તાવડેએ દિયા મિર્ઝા પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ‘દિયા મિર્ઝા હંમેશાં વિભાજનકારી તાકાતોની સાથે રહી છે અને અગાઉ પણ વડાપ્રધાન મોદીની ટીકા કરી ચૂકી છે. તે હિંદુ વિરોધી છે.’

બીજી તરફ, શિવસેના(UBT)ના પ્રવક્તા કિશોરી પેડણેકરે સવાલ ઉઠાવ્યો હતો કે ‘શું BMC ભાજપના નેતાઓની ગુલામ બની ગઈ છે?’ મનસે (MNS) નેતાઓએ પણ ભાજપની આ નીતિની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન મંત્રી નીતિશ રાણેએ દિયા મિર્ઝા પર અન્ય ધર્મોના તહેવારો વખતે મૌન રહેવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ મુદ્દાને કોઈ ચોક્કસ સમુદાય સાથે ન જોડવાની અપીલ કરી હતી.
દિયા મિર્ઝાનો જવાબ અને સમગ્ર વિવાદ પર પ્રતિક્રિયા
આ વિવાદ અને BMCના સત્તાવાર હેન્ડલ પરથી પોતાના વીડિયો હટાવવાની ઘટના બાદ દિયા મિર્ઝાએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે, ‘આ વીડિયો હાઇકોર્ટ અને BMC દ્વારા જનહિતમાં શૂટ કરાવાયો હતો. આપણે પ્રદૂષણ ઘટાડવાના દરેક પ્રયાસને આવકારવો જોઈએ કારણ કે તે જાહેર આરોગ્ય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.’ દિયાએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ અભિયાન માટે મેં કોઈ જ કોઈ ફી લીધી નથી, પરંતુ કમનસીબે આજે ભલાઈનો જમાનો રહ્યો નથી.’
નોંધનીય છે કે, મુંબઈમાં હજારો લોકો વાયુ પ્રદૂષણથી પરેશાન છે, જે કોર્ટના આદેશથી શરૂ થયેલો પ્રદૂષણ નિયંત્રણનો મામલો રાજકીય વિવાદમાં પરિવર્તિત થઈ જતા નિરાશ થઈ ગયા છે.




