મિડટર્મમાં ડેમોક્રેટ્સની જીત બાદ અમેરિકામાં 'હોપસ્ક્રોલિંગ'નો ટ્રેન્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વોશિંગ્ટન : સોશિયલ મીડિયા પર સતત નકારાત્મક સમાચાર, ચિંતાજનક વીડિયો અને દુઃખદ ઘટનાઓ જોવાની આદતને 'ડૂમસ્ક્રોલિંગ' કહેવામાં આવે છે. જોકે, હવે તેના વિરોધમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જેને 'હોપસ્ક્રોલિંગ' નામ આપવામાં આવ્યું છે. તેમાં યુઝર્સ નકારાત્મક સમાચારોને બદલે આશા જગાડે તેવા વીડિયો, પ્રેરણાદાયી મેસેજ, સારા સમાચાર અને ખુશીની પળો દર્શાવતા મીમ્સ જોવાનું પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં તાજેતરની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સની જીત બાદ આ ટ્રેન્ડ શરૂ થયો છે.
ચૂંટણીનાં પરિણામો બાદ ડેમોક્રેટ્સના સમર્થકોએ સોશિયલ મીડિયા પર વિજયી નેતાઓનાં ભાષણો, ઉજવણીના વીડિયો અને ઉત્સાહભર્યા મેસેજ શેર કર્યા હતા. લાંબા સમયથી રાજકીય તણાવ અને નકારાત્મક સમાચાર જોતા લોકો માટે આ કન્ટેન્ટ જાણે રાહત બની રહ્યું છે. નિષ્ણાતોના મતે, આશાવાદી કન્ટેન્ટ જોવાથી વ્યક્તિનો મૂડ સુધરી શકે છે અને માનસિક તણાવમાંથી થોડા સમય માટે રાહત મળી શકે છે.
જોકે, નિષ્ણાતો આ ટ્રેન્ડને સંપૂર્ણપણે ફાયદાકારક માનતા નથી. સતત સારા સમાચાર અને પોતાની વિચારધારાને અનુકૂળ કન્ટેન્ટ જોતાં લોકો એક પ્રકારના 'ઇકો ચેમ્બર'માં ફસાઈ શકે છે. તેમને એવું લાગવા માંડે છે કે આસપાસના તમામ લોકો તેમના જેવા જ વિચારે છે. આ ઉપરાંત, સકારાત્મક કન્ટેન્ટ જોવામાં પણ કલાકો પસાર થઈ શકે છે અને સોશિયલ મીડિયા પર નિર્ભરતા વધી શકે છે.નિષ્ણાતોનું કહેવું છે કે સકારાત્મક કન્ટેન્ટ જોવું ખોટું નથી, પરંતુ માત્ર સોશિયલ મીડિયા પર આશા શોધવાને બદલે તેમાંથી મળેલી પ્રેરણાને વાસ્તવિક જીવનમાં ઉતારવી વધુ જરૂરી છે.




