કોંગ્રેસને મળતા દાનમાં 75%નો ભારે ઘટાડો, ફક્ત એક ટ્રસ્ટના દાનના ભરોસે આખી પાર્ટી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Political Funding : દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસ માટે ચૂંટણી પરિણામોની સાથે સાથે હવે નાણાકીય મોરચે પણ કપરા ચઢાણ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સતત નબળા પડી રહેલા ચૂંટણી પ્રદર્શનની સીધી અસર હવે પાર્ટીને મળતા ફંડ (ડોનેશન) પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
ફંડિંગમાં 75 ટકાનો જંગી ઘટાડો, 517 કરોડથી ઘટીને કમાણી રૂ. 130 કરોડે પહોંચી
ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલા વર્ષ 2025-26ના વાર્ષિક ફંડ રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે, જે મુજબ પાર્ટીના ફંડિંગમાં આશરે 75 ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો છે. રિપોર્ટના આંકડા પ્રમાણે, વર્ષ 2024-25 દરમિયાન કોંગ્રેસને આશરે રૂ.517.4 કરોડનું ફંડ પ્રાપ્ત થયું હતું. પરંતુ તેના આગામી વર્ષ 2025-26માં આ રકમમાં તીવ્ર ઘટાડો આવ્યો છે અને તે ઘટીને માત્ર રૂ.130.7 કરોડ પર પહોંચી ગઈ છે.
આ નાણાકીય સંકટમાં રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2025-26માં મળેલું રૂ. 130.7 કરોડનું ફંડિંગ વર્ષ 2023-24માં મળેલી રકમ કરતાં પણ આશરે 53 ટકા જેટલું ઓછું છે. કોંગ્રેસને મળતા મોટા ફંડમાં અગાઉ ‘પ્રૂડન્ટ ઇલેક્ટ્રલ ટ્રસ્ટ’નો સિંહફાળો રહ્યો હતો. વર્ષ 2024-25માં પાર્ટીને મળેલા કુલ ફંડમાં આ એક જ ટ્રસ્ટનો હિસ્સો 14.8 ટકા (આશરે રૂ. 216 કરોડ) હતો. જોકે, 2025-26ના વર્ષમાં આ ટ્રસ્ટે કોંગ્રેસને માત્ર રૂ. 25 કરોડ જ આપ્યા છે, જે અગાઉના વર્ષની સરખામણીએ માત્ર 11.5 ટકા જ થાય છે. આ વર્ષે કુલ મળેલા ફંડમાં આ ટ્રસ્ટનો ફાળો 19 ટકા જેટલો રહ્યો છે.
લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ છતાં ફંડિંગ ન મળ્યું
વર્ષ 2024-25માં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, જેથી રાજકીય પક્ષોને મળતા ફંડમાં મોટા પ્રમાણમાં વધારો થવો સ્વાભાવિક હતો. પરંતુ લોકસભા ચૂંટણીઓ પૂરી થયા બાદ 20,000 રૂપિયાથી વધુના ડોનેશનમાં 75 ટકાનો જંગી કડાકો જોવા મળ્યો છે. અહીં નોંધનીય છે કે, વર્ષ 2025-26 દરમિયાન પણ દેશમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હતી અને એપ્રિલ 2026માં અસમ, કેરળ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી જેવા મહત્વના રાજ્યોમાં ચૂંટણીઓ સંપન્ન થઈ છે. આટલી બધી મહત્વપૂર્ણ રાજ્યોની ચૂંટણીઓ હોવા છતાં કોંગ્રેસને કોર્પોરેટ કે મોટા દાતાઓ તરફથી અપેક્ષિત ફંડિંગ મળ્યું નથી. કોંગ્રેસની 2025-26ની અંતિમ ઓડિટ રિપોર્ટ આવ્યા બાદ જ પાર્ટીની આવકના અન્ય સ્ત્રોતો વિશે વધુ વિગતો સ્પષ્ટ થશે.
કૂપન વેચાણ અને મોટા દાતાઓ પર નિર્ભરતા
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25 દરમિયાન કોંગ્રેસને કૂપન બહાર પાડીને અને તેના વેચાણ દ્વારા રૂ. 350 કરોડથી વધુની રકમ પ્રાપ્ત થઈ હતી. ગત વર્ષના ફંડની વિગતવાર વાત કરીએ તો, પ્રૂડન્ટ ટ્રસ્ટ ઉપરાંત કોંગ્રેસને અન્ય મુખ્ય કોર્પોરેટ્સ તરફથી આ મુજબનું ફંડિંગ મળ્યું હતું.
- સ્ટાર સિમેન્ટ લિમિટેડ: રૂ. 5 કરોડ
- સજ્જન ભજંકા: રૂ. 4 કરોડ
- અફનાન કન્સ્ટ્રક્શન્સ: રૂ. 3 કરોડ
- પ્રેમ કુમાર ભજંકા: રૂ. 2 કરોડ
- ઇપ્સમ પ્રોએડવાઇઝર્સ: રૂ. 1 કરોડ
- એસએમએસ બિલ્ડર્સ: રૂ. 1 કરોડ
માત્ર 9 વ્યક્તિઓ અને કંપનીઓ જ એવી હતી જેમણે રૂ. 1 કરોડ કે તેથી વધુનું ફંડ આપ્યું હતું, જેની કુલ રકમ આશરે રૂ. 43 કરોડ થાય છે. આની સામે રૂ. 5 લાખ કે તેથી ઓછી રકમના કુલ 1,321 નાના ફંડ મળ્યા હતા. આ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે, કોંગ્રેસનું મોટા ભાગનું ફંડિંગ ગણતરીના મોટા દાતાઓ પર જ નિર્ભર રહ્યું છે, અને હવે જ્યારે કોર્પોરેટ્સ હાથ ખેંચી રહ્યા છે ત્યારે પાર્ટી સામે આર્થિક કટોકટી ઘેરી બની રહી છે.




