World

નેતન્યાહુના 19 વર્ષના શાસનનો અંત? રાષ્ટ્રપતિએ આઈઝનકોટને સરકાર રચવા આમંત્રણ આપ્યું

By GS Team
8 Nov 20262 mins read
TukuTouch Logo
ઇઝરાયલના રાજકારણમાં 19 વર્ષ પછી ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગે વિપક્ષી નેતા ગાદી આઈઝનકોટને સરકાર રચવા આમંત્રણ આપ્યું છે. 120 સભ્યોની સંસદમાં નેતન્યાહુની લિકુડ પાર્ટી સૌથી મોટી હોવા છતાં બહુમતીથી દૂર રહી. 67 સાંસદોના સમર્થનથી આઈઝનકોટને 28 દિવસમાં બહુમતી સાબિત કરવાની તક મળી છે. અરબ પક્ષોના સમર્થનથી સરકાર બનાવવાનો પડકાર આઈઝનકોટ સામે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેતન્યાહુના 19 વર્ષના શાસનનો અંત? રાષ્ટ્રપતિએ આઈઝનકોટને સરકાર રચવા આમંત્રણ આપ્યું

Israel Government news : ઈઝરાયલના રાજકારણમાં એકમાત્ર મોટું અને ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. છેલ્લા 19 વર્ષથી સત્તાની ડોર સંભાળતા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે આ એક ખૂબ મોટો રાજકીય ઝટકો છે. ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગે ઔપચારિક જાહેરાત કરતા વિપક્ષી નેતા અને દેશના ભૂતપૂર્વ સૈન્ય પ્રમુખ (આર્મી ચીફ) ગાદી આઈઝનકોટને સરકાર બનાવવા માટેનું આમંત્રણ પાઠવ્યું છે.

નેતન્યાહુ સૌથી મોટા પક્ષ હોવા છતાં બહુમતીથી દૂર

તાજેતરમાં જ યોજાયેલી ચૂંટણીમાં કોઈપણ એક ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી ન હતી. 120 સભ્યોની ઈઝરાયલી સંસદ (નેસેટ) માં નેતન્યાહુની લિકુડ પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી અને તેના ગઠબંધનને 53 બેઠકો મળી હતી, જે સરકાર બનાવવા માટે જરૂરી 61 ના જાદુઈ આંકડાથી 8 બેઠકો દૂર રહી ગઈ હતી. બીજી તરફ, રાષ્ટ્રપતિ સાથેની બેઠક અને પરામર્શ દરમિયાન 67 સાંસદોએ ગાદી આઈઝનકોટના નામની ભલામણ કરી હતી, જેના પગલે રાષ્ટ્રપતિએ તેમને સરકાર રચવાની પહેલી તક આપી છે.

આઈઝનકોટ પાસે 28 દિવસનો સમય

રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારા કાર્યક્રમમાં ગાદી આઈઝનકોટને સરકાર બનાવવા માટેનું ઔપચારિક નિમંત્રણ આપવામાં આવશે. આ નિમંત્રણ મળ્યા બાદ આઈઝનકોટ પાસે સરકાર સાબિત કરવા અને બહુમતી મેળવવા માટે 28 દિવસનો સમય રહેશે. જો જરૂર પડશે તો રાષ્ટ્રપતિ આ સમયસીમામાં વધુ 14 દિવસનો વધારો પણ કરી શકે છે.

અરબ પક્ષોનું સમર્થન અને આઈઝનકોટ સમક્ષના પડકારો

ગાદી આઈઝનકોટની 'યાશર' પાર્ટી અને તેમના ચાર દળોના ગઠબંધન પાસે હાલ 48 બેઠકો છે. જોકે, ઈઝરાયલના અલ્પસંખ્યક અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી બે પક્ષોની 19 બેઠકોનું સમર્થન મળવાથી તેમનો આંકડો 67 પર પહોંચ્યો છે. જોકે, અરબ પક્ષોના ટેકાથી સરકાર બનાવવી અને વિવિધ વિરોધાભાસી વિચારધારા ધરાવતા પક્ષોને એક તાંતણે બાંધવા આઈઝનકોટ માટે સરળ રહેશે નહીં. તેમણે સ્પષ્ટ શરતો મૂકી છે કે તેઓ દેશને લોકશાહી અને સમાનતાવાદી મૂલ્યો પર ચલાવવા માંગે છે.

બીજી બાજુ, નેતન્યાહુએ આ વલણની આકરી ટીકા કરતા દાવો કર્યો છે કે "આતંકવાદીઓના સમર્થકો" સાથે મળીને ઉતાવળમાં રચાતી આ સરકાર દેશ અને સૈનિકોની સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે. હવે જોવું એ રહ્યું કે શું ગાદી આઈઝનકોટ આ જટિલ રાજકીય ગણતરીઓ વચ્ચે સ્થિર સરકાર બનાવીને ઇતિહાસ રચે છે કે નહીં.