Mumbai

ચૉદીપુરા વાઈરસને લઈ બીએમસી સજ્જ,આરોગ્ય વિભાગે સાવચેતી વધારી

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના ઉદ્રેક બાદ મુંબઈ મહાનગરપાલિકા સતર્ક બની છે. મુંબઈમાં ભલે એક પણ કેસ ન નોંધાયો હોય, પરંતુ સાવચેતીના ભાગરૂપે કસ્તુરબા હોસ્પિટલમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. BMCએ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રને સજ્જ કર્યું છે, અને જરૂરી સંકલન પણ સાધવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચૉદીપુરા વાઈરસને લઈ બીએમસી સજ્જ,આરોગ્ય વિભાગે સાવચેતી વધારી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ઉદ્રેક

એક પણ કેસ નોંધાયો નથી, છતાં કસ્તુરબા હોસ્પિટલમાં ૧૦ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરાશે

મુંબઈ  -ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ઉદ્રેક થતાં મુંબઈ મહાનગરપાલિકા(બીએમસી) વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. જોકે, હાલ મુંબઈમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત એક પણ દર્દી નોંધાયો નથી. તેમ છતાં સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને બીએમસીએ આગોતરી તૈયારીઓ શરૃ કરી છે.

કસ્તુરબા હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના સંભવિત દર્દીઓ માટે ૧૦ બેડનો અલગ વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંભવિત દર્દીઓની સારવાર અને દેખરેખ માટે આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ચાંદીપુરા વાયરસ ભારત માટે નવો નથી. વર્ષ ૨૦૦૩-૦૪માં મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્ર પ્રદેશ સહિત દેશના કેટલાક વિસ્તારોમાં આ વાયરસનો ઉદ્રેક જોવા મળ્યો હતો. હાલમાં ગુજરાતમાં વાયરસના કેસો નોંધાયા છે. જોકે, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર તરફથી આ અંગે નવી માર્ગદશકા પ્રાપ્ત થઈ નથી.

આ સ્થિતિ વચ્ચે મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આગોતરી તૈયારી હાથ ધરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગો ઉપરાંત નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (એનસીડીસી ), નવી દિલ્હી સાથે પણ સંકલન સાધવામાં આવી રહ્યું છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો તેમજ પ્રયોગશાળાઓ સાથે પણ જરૃરી સમન્વય કરવામાં આવશે.

ચાંદીપુરા વાયરસ ખાસ કરીને ૧૫ વર્ષ સુધીની ઉંમરના બાળકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. રોગની પ્રગતિ ખૂબ જ ઝડપથી થઈ શકે છે. સમયસર સારવાર ન મળે તો દર્દીની સ્થિતિ ગંભીર બની શકે છે.

આ વાયરસમાં અચાનક તીવ્ર તાવ આવવો, માનસિક સ્થિતિમાં ફેરફાર થવો, બોલવામાં તકલીફ, ચાલવામાં મુશ્કેલી, આંચકી આવવી, માથાનો દુખાવો, ગરદન અકડાવવી અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા જેવા લક્ષણો  જોવા મળી શકે છે. આવા લક્ષણો દેખાય તો દર્દીને વિલંબ કર્યા વિના હોસ્પિટલમાં લઈ જવો અત્યંત જરૃરી છે.

હાલ ચાંદીપુરા વાયરસ માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાયરલ દવા કે રસી ઉપલબ્ધ નથી. તેથી વહેલું નિદાન અને તાત્કાલિક સારવાર પર ભાર મૂકવામાં આવ્યો છે.

દર્દીની જરૃરિયાત મુજબ ઓક્સિજન, વેન્ટિલેટર, દવા અને ઇન્ટ્રાવેનસ પ્રવાહી આપવામાં આવે છે. આંચકી તથા  મગજ પરના દબાણને નિયંત્રિત કરવા માટે સારવાર કરવામાં આવે છે. સાથે જ અન્ય જીવાણુના સંક્રમણનું પણ યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે છે.

 ચાંદીપુરા વાયરસના ફેલાવાને રોકવા માટે રેતમાખીના નિયંત્રણને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માટે પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ, સ્વચ્છતા જાળવવી અને કચરાનો યોગ્ય નિકાલ કરવો જરૃરી છે.

ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી. ભીંતોની તિરાડો તથા રેતમાખીના સંભવિત પ્રજનન સ્થળો દૂર કરવા.

પશુઓના તબેલા અને આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવા. આ ઉપરાંત શરીરને સંપૂર્ણપણે ઢાંકે તેવાં કપડાં પહેરવા અને કીટકનાશક દ્રવ્યનો ઉપયોગ કરવા પણ આરોગ્ય વિભાગે સૂચવ્યું છે.

જોકે. મુંબઈમાં હાલ એક પણ કેસ નહીં, છતાં ગુજરાતમાં ઉદ્રેકને પગલે બીએમસી વોચ પર છે અને સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા આરોગ્ય તંત્રને સજ્જ રાખવામાં આવ્યું છે.