Mumbai

મચ્છરના લાર્વા શોધવા ગયેલા બીએમસીના કર્મચારીનું ટાંકી પરથી પટકાતાં મોત

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ચોમાસા પૂર્વે મચ્છર નિયંત્રણ અભિયાન દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. નાયગાંવમાં પાણીની ટાંકી તપાસતી વેળા BMCના જંતુનાશક વિભાગના કર્મચારી પાંડુરંગ ટોડકર (47)નું સંતુલન ગુમાવતા નીચે પટકાઈ જવાથી KEM હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. આ ઘટનાથી જંતુનાશક વિભાગના કર્મચારીઓમાં રોષ અને સુરક્ષા મુદ્દે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મચ્છરના લાર્વા શોધવા ગયેલા બીએમસીના કર્મચારીનું ટાંકી પરથી પટકાતાં મોત

કર્મચારીના મોતથી જંતુનાશક વિભાગના કર્મચારીઓમાં રોષ

નાયગાંવમાં પાણીની ટાંકી તપાસતી વેળા સંતુલન ગુમાવ્યું ઃ કેઈએમમાં સારવાર દરમિયાન મોત

મુંબઈ -  ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે મચ્છરના ઉછેર સ્થળો શોધવાનું અભિયાન મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા હાથ ધરાયું છે. જોકે, આ અભિયાન દરમિયાન જ બીએમસીના એક કર્મચારીનું અકસ્માતે મોત થતાં જંતુનાશક વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

 આજે સવારે નાયગાંવ વિસ્તારમાં પાણીની ટાંકીમાં મચ્છરના લાર્વા છે કે નહીં તેની તપાસ કરવા ગયેલા  બીએમસીના જંતુનાશક વિભાગના કર્મચારી પાંડુરંગ ટોડકર (૪૭)નું સંતુલન ગુમાવતાં નીચે પટકાઈ જવાથી મોત થયું હતું.

 પાંડુરંગ ટોડકર પાલિકાના એફ-સાઉથ વિભાગની હદમાં આવેલા નાયગાંવ પોલીસ કેમ્પની ઇમારતમાં પાણીની ટાંકી તપાસવા ગયા હતા. ટાંકી લોખંડના સ્ટેન્ડ પર હતી. તપાસ દરમિયાન અચાનક તેમનું સંતુલન બગડયું હતું.

 તેઓ નીચે પટકાયા હતા. પાણીની ટાંકીની આસપાસ પડેલા લોખંડના સળિયા સહિતની વસ્તુઓને કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક કેઈએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

 ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધે છે. તેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા સહિતના મચ્છરજન્ય રોગોનું જોખમ પણ વધે છે. આથી પાલિકાનો જંતુનાશક વિભાગ ચોમાસા પહેલાં અને ચોમાસા દરમિયાન મચ્છરના ઉછેર સ્થળો શોધી તેનો નાશ કરવાની કામગીરી કરે છે.

પાણીની ટાંકી, ભંગાર, ખુલ્લી જગ્યાઓ અને પાણી ભરાઈ રહેતાં સ્થળોની તપાસ આ અભિયાનનો મહત્ત્વનો ભાગ છે. જોકે, નાયગાંવની ઘટનાએ આ કામગીરી કરતા કર્મચારીઓની સલામતી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

 પાણીની ટાંકીની આસપાસ લોખંડના સળિયા સહિતની વસ્તુઓ અસ્તવ્યસ્ત રીતે પડેલી હોવાનો મુદ્દો પણ સામે આવ્યો છે. આવી જગ્યાએ કર્મચારીઓ માટે સુરક્ષિત રીતે તપાસ કરી શકાય તેવી વ્યવસ્થા હોવી જરૃરી છે.

 પાંડુરંગ ટોડકરના મોતથી જંતુનાશક વિભાગના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.કર્મચારી સંગઠનોએ પણ વહીવટીતંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે.

 મચ્છરના લાર્વા શોધવા અને તેનો નાશ કરવા મેદાનમાં ઉતરતા કર્મચારીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગણી હવે ઉગ્ર બની છે.

કર્મચારીઓને જોખમી સ્થળોએ મોકલતા પહેલાં સુરક્ષા સાધનો, સલામત માર્ગ અને જરૃરી તકેદારીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.