નકલી શાલાર્થ આઈડી બનાવી કરોડોની ઉચાપતમાં ભાજપનો સંજય ગરુડ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સેંકડો શિક્ષકોના નકલી આઈડી બનાવી પગારની રકમની ઉચાપત
ગરુડ અનેક શાળાઓના સંચાલકઃ ૨૦૦થી વધુ શાળાઓ શંકાના ઘેરામાં, ૧૨૦૦ આરોપીઓઃ બેથી ત્રણ હજાર કરોડનું કૌભાંડ હોવાની શંકા
મુંબઈ - મહારાષ્ટ્રમાં કથિત 'શાલાર્થ આઈડી કૌભાંડ'માં નાશિક પોલીસે જળગાંવ જિલ્લાના શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અને ભાજપ સાથે જોડાયેલા અનેક શાળાઓના સંચાલક સંજય ગરુડ (૬૭)ની ધરપકડ કરી છે. તેમની સોલાપુર જિલ્લાના નાટેપુતે શહેરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નાશિક રોડ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા મુજબ, ગરુડ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંબંધિત હોવાનું બતાવીને ૧૫૦થી વધુ શિક્ષકોની નકલી શાલાર્થ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી હતી અને તેના આધારે સરકારી પગાર ઉપાડવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
નાશિકના આસિસ્ટંટ પોલીસ કમિશ્નર (એસીપી) સંદીપ મિતકેના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં રાજ્યભરની ૨૦૦થી વધુ શાળાઓની સંડોવણી સામે આવી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી ૧,૨૦૦ જેટલા આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, જ્યારે પાંચ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરીશ મહાજને જણાવ્યું હતું કે, વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) દ્વારા ચાલી રહેલી તપાસમાં કૌભાંડમાં સામેલ તમામ લોકોનું સત્ય બહાર આવશે. જોકે, સંજય ગરુડની ધરપકડ અંગે તેમણે વધુ માહિતી ન હોવાનું જણાવ્યું હતું.
આ કૌભાંડની તપાસ ગ્રામ વિકાસ વિભાગના સચિવ ડૉ. ચંદ્રકાંત પુલકુંડવારની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટી કરી રહી છે. અગાઉ જુલાઈ મહિનામાં જળગાંવ જિલ્લા પરિષદના ભૂતપૂર્વ શિક્ષણ અધિકારી શશિકાંત હિંગોણેકરની પણ નકલી શાલાર્થ આઈડી બનાવવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈ ૨૦૨૫માં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે, આ રાજ્યવ્યાપી કૌભાંડ છે, જેમાં ક્યારેય ભરતી ન થયેલા શિક્ષકોના નામે નકલી શાલાર્થ આઈડી બનાવી રુપિયા ૨,૦૦૦ કરોડથી રુપિયા ૩,૦૦૦ કરોડ સુધીના સરકારી નાણાંની ગેરરીતિ કરવામાં આવી હોવાની આશંકા છે. તેમણે આ મામલે મુખ્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ થઈ ચૂકી હોવાનું અને સંડોવાયેલા તમામ સામે કડક કાર્યવાહી ચાલુ હોવાનું પણ જણાવ્યું હતું.




