શિલ્પા -રાજની કંપનીમાંથી બિપાશા, નહા ધુપિયાને પૈસા ચૂકવાયા હતા

60 કરોડના ઠગાઈ કેસમાં રાજ કુન્દ્રાની પોલીસ સમક્ષ કબૂલાત
નોટબંધી વખતે કેટલાક સંદિગ્ધ વ્યવહારો થયા હતાઃ બાલાજી ટેલિફિલ્મસ સાથે પણ કેટલાક વ્યવહારોનો ઉલ્લેખ
મુંબઈ - મુંબઈના એક બિઝનેસમેન સાથે ૬૦ કરોડની ઠગાઈના કેસમાં શિલ્પા શેટ્ટી થતા રાજ કુન્દ્રા સામે થયેલા કેસમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી પુૂછપરછ દરમિયાન રાજ કુન્દ્રાએ પોલીસને એવી માહિતી આપી હોવાનું કહેવાય છે કે તેણે આ કંપનીમાંથી શિલ્પા ઉપરાંત બિપાશા બસુ તથા નેહા ધુપિયાના ખાતામાં કેટલીક રકમ ટ્રાન્સફર કરી હતી.
આ રકમ બિપાશા તથા નેહાને ફી સ્વરુપે ચૂકવાઈ હોવાનું કહેવાય છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પાઠવાયેલા સમન્સ બાદ રાજ કુન્દ્રા ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયો હતો. જ્યાં પોલીસે પાંચ કલાક તેની પૂછપરછ કરી તેના જવાબો લીધા હતા. મીડિયાથી છૂપાવવા માટે રાજને કોઈ અજાણ્યા સ્થળે હાજર કરાયો હતો.
તપાસ એજન્સીના સૂત્રોના દાવા અનુસાર રાજે પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું હતું કે જે પૈસા બાબતે આ તપાસ ચાલી રહી છે તેમાંથી કેટલીક રકમ બિપાશા બસુ તથા નેહા ધુપિયાને ફી સ્વરુપે ચૂકવાઈ હતી.
એજન્સીના સૂત્રોનના જણાવ્યા અનુસાર આ કંપનીમાંથી બાલાજી એન્ટરટેઈનમેન્ટ સાથે પણ કેટલાક વ્યવહારોનો ઉલ્લેખ છે. અત્યાર સુધીમાં આર્થિક ગુના નિવારણ શાખાને પચ્ચીસ કરોડ રુપિયાની હેરફેરની જાણ થઈ છે. નોટબંધી વખતે કંપનીએ રોકડની તંગી ભોગવવી પડી હતી. તે વખતે પણ થયેલા કેટલાક વ્યવહારો શંકાસ્પદ જણાયા છે. પોલીસને શંકા છે કે આ વ્યવહારો દ્વારા પૈસાની હેરાફેરી થઈ હોઈ શકે છે.
બેસ્ટ ડીલ પ્રોજેક્ટ માટે બનાવાયેલા વિડીયો વિશે રાજને પૂછવામાં આવ્યું હતું. રાજે જવાબ આપ્યો હતો કે આ વિડીયો પહેલેથી જ મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલને સોંપાઈ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે એક બિઝનેસમેન રાજ કુન્દ્રા તથા શિલ્પા શેટ્ટી પર આરોપ મૂક્યો છે કે બંનેએ બિઝનેસમેન પાસેથી રોકાણના નામે પૈસા મેળવ્યા બાદ તેમના અંગત કામે વાપરી નાખ્યા હતા. રાજ અને શિલ્પા અગાઉ આ આરોપ નકારી ચૂક્યાં છે. દરમિયાન, પોલીસ હજુ એક વખત રાજને પૂૂછપરછ માટે બોલાવે તેવી સંભાવના છે.








