Mumbai

નીટની આન્સર કી અને સ્કોરકાર્ડમાં મોટો તફાવત, વિદ્યાર્થીઓમાં રોષ

By GS Team
19 Jul 20262 mins read
TukuTouch Logo
નીટ-યુજીના પરિણામમાં ફરી વિવાદ સર્જાયો છે. મુંબઈમાં પેપર લીક બાદની પરીક્ષાના પરિણામમાં મોટા તફાવતો જોવા મળ્યા. એક વિદ્યાર્થીને આન્સર કીમાં 522 માર્ક સામે સ્કોરકાર્ડમાં 95 મળ્યા, જ્યારે અન્યને 702 સામે 87 માર્ક મળતા વાલીઓએ સ્પષ્ટીકરણ માગ્યું છે. આ મુદ્દે NTA શું ખુલાસો કરે છે, તેના પર સૌની નજર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નીટની આન્સર કી અને સ્કોરકાર્ડમાં મોટો તફાવત, વિદ્યાર્થીઓમાં રોષ

પેપર લીક પ્રકરણ બાદ હવે નીટ-યુજીના પરિણામને લઈ વિવાદ

એક વિદ્યાર્થીને આન્સર કીમાં ૫૨૨ માર્ક પણ સ્કોરકાર્ડમાં ૯૫ જ્યારે અન્યને આન્સર કીમાં ૭૦૨ પણ હકીકતે ૮૭ માર્ક, વાલીઓએ સ્પષ્ટીકરણ માગ્યું

        મુંબઈ  - પેપર ફૂટવા બાદ નીટની ફેરપરીક્ષા લેવામાં આવી હતી. શુક્રવારે આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું. પરંતુ હવે નીટ યુજી ૨૦૨૬નું પરિણામ ફરી વિવાદમાં સપડાયું છે. બીડના કેટલાંક વિદ્યાર્થીઓને ઉત્તરપત્રિકાની આન્સર કીના અને ખરેખરા માર્કમાં મોટો તફાવત જોવા મળ્યો છે. બીડના સોહમ ગવતેને આન્સર કી મુજબ ૫૨૨ માર્ક આવવાની સંભાવના હતી. પરંતુ સ્કોરકાર્ડમાં માત્ર ૯૫ માર્ક અપાયા. તેવું જ એક અન્ય વિદ્યાર્થીના કેસમાં પણ બન્યું હતું.

આન્સર કી મુજબ ૫૨૨ માર્ક મળવાની અપેક્ષા વચ્ચે માત્ર ૯૫ માર્ક મળતાં સોહમનો પરિવાર હેબતાઈ ગયો હતો. સોહમે રાત-દિવસ મહેનત કરી હતી. તે સવારે ફક્ત નાસ્તો કરવા અને બપોરે ભોજન કરવા જ નીચે આવતો હતો. બાકી ઉપરના ઓરડામાં બેસી આખો દિવસ અભ્યાસ કરતો હતો. તે ક્યારેય કોઈ સંબંધીને મળવા ગયો નથી કે કોઈ કાર્યક્રમમાં પણ સહભાગી થયો નથી. વળી તે દરમ્યાન તેનું એક ઓપરેશન પણ થયું હતું. છતાં તેણે મહેનત અટકાવી નહોતી. પરંતુ પરિણામમાં માત્ર ૯૫ માર્ક જોતાં તે સાવ તૂટી ગયો હોવાનું તેના વાલીએ જણાવ્યું હતું.

દરમ્યાન બીડના વડવણીની જ્ઞાાનેશ્વરી પવારને ૭૨૦માંથી ૭૦૨ માર્ક મળવા અપેક્ષિત હતા. પરંતુ તેને મળેલ ઓએમઆર શીટમાં માત્ર ૮૭ માર્ક તેને મળ્યા હોવાથી તેનું પરિણામ ખોટું હોવાનો તેણે દાવો કર્યો છે. જ્ઞાાનેશ્વરીએ એવો પણ દાવો કર્યો છે કે મારી પાસે તે માટેના પૂરતા પૂરાવા પણ છે. દરમ્યાન દીકરીનું આવું પરિણામ જોઈ પરિવારને પણ આંચકો લાગ્યો છે.

પરિણામમાં આવેલા આવા તફાવતને લીધે વિદ્યાર્થી અને વાલીઓમાં તીવ્ર અસંતોષ છે. પરિણામમાં જો સુધારો નહીં થાય તો તેઓ કોર્ટમાં જશે, એવું પણ તેમણે જણાવ્યું છે. જોકે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા શું સ્પષ્ટીકરણ આવે છે, તે તરફ સૌની નજર રહેલી છે. કારણ આ પરિણામને લીધે વિદ્યાર્થીઓના ભવિષ્યનો પ્રશ્ન નિર્માણ થયો છે. એનટીએએ આ બાબતે તુરંત ધ્યાન આપી વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરવી, એવી વાલીઓએ માગણી કરી છે.