Mumbai

કોન્ટ્રાક્ટ પ્રથા સહિતના મુદ્દે કાલથી બેસ્ટની હડતાલ

By GS Team
18 Jun 20262 mins read
કોન્ટ્રાક્ટ પ્રથા  સહિતના મુદ્દે કાલથી બેસ્ટની હડતાલ

મિલ્કતો ખાનગી પાર્ટીઓને સોંપવાનો વિરોધ

જોકે, બસ તથા વીજળી બંને સેવા ખોરવાય તેમ હોવાથી સરકારે હડતાલ ગેરકાયદે જાહેર કરી

મુંબઇ -  'બેસ્ટ' સેવાનું કોન્ટ્રાક્ટીકરણપ્રોપર્ટીનો પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનર શિપ) ધોરણે વિકાસ કરવાના વિરોધમાં તથા 'બેસ્ટ'ના બજેટને મુંબઇ મહાનગરપાલિકાના બજેટમાં વિલીન કરવાની માગણી સાથે બેસ્ટ સંયુક્ત કામગાર કૃતિ સમિતી દ્વારા શુક્રવારથી બેમુદત હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આને લીધે પરિવહન સેવા તથા વીજળી પુરવઠા ઉપર અસર થવાની શક્યતાને લીધે નાગરિકોએ હેરાનગતી વેઠવી પડશે. જો કે રાજ્ય સરકારે હડતાલની મનાઇ ફરમાવી છે.

બેસ્ટ'ના  પ્રવાસીઓ અને કર્મચારીઓના હિત તરફ દુર્લક્ષ સેવીને પ્રશાસન દ્વારા કોન્ટ્રેક્ટરોને ફાયદો થાય એ રીતે નિર્ણયો લેવામાં આવે છે એવો યુનિયન તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે. આનો વિરોધ કરવા માટે તમામ કામગાર સંગઠનો સંગઠિત રીતે આંદોલન છેડવાના છે એમ સંયુક્ત કૃતિ સમિતીએ જણાવ્યું હતું.

'બેસ્ટ' પ્રશાસને ૨૦૧૬થી નિવૃત્ત થયેલા અનેક વીજ કર્મચારીઓને હજી સુધી  ગ્રેચ્યુઇટીની ચૂકવણી નથી કરી.  અદાલતના આદેશ છતાં વ્યાજ સાથેની રકમ ચૂકવાઇ નથી એવો દાવો કરવામાં આવ્યો છે. એટલે નિવૃત્ત કર્મચારીઓને આ બધી રકમ એક સાથે ચૂકવવાની માગણી કરવામાં આવી છે.

સંયુક્ત કૃતિ સમિતી તરફથી માગણી કરવામાં આવી છે કે ૧૦ હજાર પોસ્ટ ખાલી પડી છે તેની ઉપર તાત્કાલીક ભરતી કરવામાં આવે. 'બેસ્ટ'માં વધતા જતા કોન્ટ્રાક્ટીકરણને લીધે કર્મચારીઓની નોકરીની સુરક્ષિતતા જોખમાઇ છે એટલે કોન્ટ્રક્ટીકરણ બંધ કરવામાં આવે. કારણ કે વેટ- લીઝ  પદ્ધતીને લીધે ખાનગી કોન્ટ્રેક્ટરોને લાભ થાય છે અને 'બેસ્ટ'ના કર્મચારીઓને અન્યાય થાય છે. બીજું 'બેસ્ટ'ની મિલ્કતો નું વેચાણ અને પી.પી.પી. ધોરણે પુનર્વિકાસ અટકાવવામાં આવે એવી પણ માગણી કરવામાં આવી છે.

'બેસ્ટ' કર્મચારીઓની સૂચિત હડતાલની રાજ્ય સરકારે ગંભીર નોંધ લીધી છે. નગરવિકાસ વિભાગે અત્યાવશ્યક સેવા કાયદો લાગુ કરીને હડતાલ પાડવાની મનાઇ ફરમાવી છે. બેસ્ટની ટ્રાન્સપોર્ટ સેવા અને વીજળીના પુરવઠાની સેવા ખોરવાશે તો શહેરના નાગરિકોએ હાલાકી સહન કરવી પડશે.  એટલે કોઇપણ હિસાબે હડતાલ રોકવાનું જરૃરી છે એમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.