Mumbai

હિપેટાઇટિસ, લ્લૈંફ સહિતના પાંચ ચેપની તપાસ વિના લોહીના ઉપયોગ પર પ્રતિબંધ

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્ર FDAએ બ્લડ બેંકો માટે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટનું પાલન ફરજિયાત બનાવ્યું છે. બ્લડ 'ડ્રગ' હોવાથી, સંગ્રહ, વિતરણ અને પરિવહન માટેના નિયમોનું પાલન કરવું પડશે. હવે દર્દીને લોહી ચઢાવતા પહેલા HIV, હિપેટાઈટિસ B-C, સિફિલિસ અને મેલેરિયા જેવા 5 મુખ્ય ચેપનું પરીક્ષણ અનિવાર્ય છે. નિયમોનું પાલન ન કરનારના લાઇસન્સ રદ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

હિપેટાઇટિસ, લ્લૈંફ સહિતના પાંચ ચેપની તપાસ  વિના લોહીના ઉપયોગ પર પ્રતિબંધ

બ્લડ એક ડ્રગ હોવાથી ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટની જોગવાઈઓનું પાલન ફરજિયાત

તમામ બ્લડ બેન્કો- સ્ટોરેજ સેન્ટરો માટે   અનુપાલનની  કોમન ગાઈડલાઈનઃ સેલ્ફ ઓડિટ તથા ઈ રક્તકોશ પર અપડેટ અનિવાર્ય

મુંબઈ -  મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન હવે બ્લડ બેન્કો તથા બ્લડ કલેક્શન સેન્ટરો પર તવાઈ લાવે તેવી સંભાવના છે. એફડીએએ એક આદેશ બહાર પાડી તમામ બ્લડ બેન્કો તથા બ્લડ કલેક્શન સેન્ટરોને બ્લડ એક ડ્રગ હોવાથી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ પ્રમાણે સંગ્રહ, વિતરણ, પરિવહનને લગતી તમામ જોગવાઈઓનું અનુપાલન કરવા માટે એક કોમન ગાઈડલાઈન્સ જારી કરી છે. લોહીના ઉપયોગ પહેલાં પાંચ મુખ્ય ચેપની તપાસ ફરજિયાત હોવાથી તેનું અનુપાલન અનિવાર્ય હોવાનું જણાવાયું છે.

એફડીએની ગાઈડલાઈન અનુસાર દર્દીને લોહી ચડાવતા પહેલા બ્લડ બેંકમાં એકત્રિત કરવામાં આવેલા દરેક બ્લડ યુનિટ (બ્લડ બેગ)નું પાંચ મુખ્ય સંક્રમણો માટે પરીક્ષણ કરવું અનિવાર્ય રહેશે. આ પાંચ ચેપમાં  એચઆઈવી, હેપેટાઈટિસ બી, હેપેટાઈટિસ સી, સિફિલિસ તથા મેલેરિયા સામેલ છે.

આ પાંચેય રોગોનું કડક સ્ક્રીનિંગ કર્યા વિના અને નેગેટિવ રિપોર્ટ આવ્યા વગર કોઈપણ બ્લડ યુનિટને દર્દી માટે વાપરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

તાજેતરમાં એફડીએ દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ ચેકિંગ દરમિયાન કેટલીક બ્લડ બેંકો અને સ્ટોરેજ સેન્ટરોમાં સુરક્ષા તથા નિયમોના ઉલ્લંઘનના ગંભીર કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ બેદરકારીને ગંભીરતાથી લેતા એફડીએ કમિશનર તુકારામ મુંઢે દ્વારા  રાજ્યમાં એકસમાન નિયમો લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યભરના બ્લડ સ્ટોરેજ સેન્ટરોને આવરી લેતો આ પ્રકારનો આ પ્રથમ વ્યાપક અને કડક આદેશ છે.

નવા નિયમો હેઠળ તમામ બ્લડ સેન્ટરોએ નિયમિતપણે  સેલ્ફ-ઓડિટકરવાનું રહેશે. આ ઉપરાંત, લોહીના સ્ટોક અને ટેસ્ટિંગ સંબંધિત તમામ વિગતો દરરોજ 'ઈ-રક્તકોશ'  પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે, જેથી પારદશતા જાળવી શકાય અને ઓનલાઈન ટ્રેકિંગ શક્ય બને.

એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ બ્લડ સેન્ટરોને આકરી ચેતવણી આપતા જણાવ્યું છે કે, બ્લડ ટ્રાન્સફ્યુઝન (લોહી ચડાવવા) જેવી અત્યંત નાજુક પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગુણવત્તાહીન કામગીરી કે ટેસ્ટિંગ વિનાનું લોહી આપવાની બેદરકારી ચલાવી લેવાશે નહીં. જે બ્લડ સેન્ટરો કે સ્ટોરેજ યુનિટ્સ આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે, તેમના પરવાના રદ કરવા સહિતની સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.