પહેલી સપ્ટેમ્બરથી મુંબઈમાં ઓટો-ટેક્સીના ભાડામાં વધારો અમલી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ મહાનગરના પ્રવાસીઓના ખિસ્સાનો ભાર વધ્યો
રીક્ષાનું ઓછામાં ઓછું ભાડું ૨૬થી વધારીને ૨૭ રુપિયા થશે, જ્યારે ટેક્સીનું ભાડું વધીને ૩૧થી ૩૩ રુપિયા થશે
મુંબઈ - મુંબઈ મહાનગર ક્ષેત્રના મુસાફરો માટે પહેલી સપ્ટેમ્બરથી ઓટોરિક્ષા અને ટેક્સીની મુસાફરી મોંઘી બનશે. મુંબઈ મહાનગર ક્ષેત્ર પરિવહન સત્તામંડળ (એમએમઆરટીએ) દ્વારા ભાડામાં વધારાને મંજૂરી આપવામાં આવી છે. નવા દર મુંબઈ, થાણે, નવી મુંબઈ, કલ્યાણ, વસઈ-વિરાર અને પનવેલમાં લાગુ થશે. ઈંધણના દરો સહિત અન્ય જીવનજરુરી ખર્ચ વધતાં આ વધારો મંજૂર કરાયાનું જણાવાયું છે.
નવા દર મુજબ, ઓટોરિક્ષાના પ્રથમ ૧.૫ કિલોમીટરનું લઘુત્તમ ભાડું રુપિયા ૨૬થી વધીને ૨૭ થશે. એટલે કે શરૃઆતના ભાડામાં એક રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદના દરેક કિલોમીટર માટે રુપિયા ૧૮ પ્રતિ કિલોમીટરનો દર લાગુ થશે. પહેલી સપ્ટેમ્બરથી આ સુધારેલા દર મુજબ મુસાફરોએ ઓટોરિક્ષા માટે વધુ ભાડું ચૂકવવું પડશે.
કાલી-પીલી ટેક્સીના લઘુત્તમ ભાડામાં બે રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલનું ૩૧ રુપિયાનું લઘુત્તમ ભાડું હવે ૩૩ રુપિયા થશે. ત્યારબાદના અંતર માટે રુપિયા ૩૩ પ્રતિ કિલોમીટરનો સુધારેલો દર રહેશે. ટેક્સી યુનિયનોએ શરૃઆતના ભાડામાં ચાર રુપિયાનો વધારો કરવાની માંગ કરી હતી, પરંતુ એમએમઆરટીએએ અંતે બે રુપિયાનો વધારો મંજૂર કર્યો છે.
ટ્રાન્સપોર્ટ યુનિયન્સે વધતા ઇંધણના ભાવ, વાહન મેઈન્ટેનન્સ, વીમા અને પરમિટ સંબંધિત ખર્ચને કારણે ભાડાવધારાની માંગ કરી હતી. ઓટોચાલકોએ સીએનજીનો ભાવ આશરે ૮૬ રુપિયા પ્રતિ કિલો હોવાથી દૈનિક આવક પર વધતા દબાણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. બીજી તરફ, પ્રવાસી સંગઠનોએ વાહનચાલકોના ખર્ચ અને સામાન્ય નાગરિકો પર વધતા જીવનનિર્વાહના ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની અપીલ કરી છે. એમએમઆરમાં આશરે ત્રણ લાખ નોંધાયેલ ઓટોરિક્ષા અને ૩૦ હજાર ટેક્સી હોવાથી આ ભાડાવધારાની અસર મોટી સંખ્યામાં દૈનિક મુસાફરો પર પડશે.




