Mumbai

ટીસીએસ સતામણી કેસમાં એટીએસની એન્ટ્રીઃ નિદા ખાનના આતંકી સંપર્કોની શંકા

By GS Team
17 Apr 20262 mins read
ટીસીએસ સતામણી કેસમાં  એટીએસની એન્ટ્રીઃ નિદા ખાનના આતંકી  સંપર્કોની શંકા

ફરાર  એચઆર મેનેજર દિલ્હી વિસ્ફોટના આરોપીઓ સાથે સંપર્કમાં હોવાનો દાવો

રાષ્ટ્રીય સુરક્ષાનો કેસ બનતાં એટીએસની ટીમ નાસિકમાં ઉતરી પડીઃ નિદા ખાન ભિવંડીમાં હોવાની શંકાએ પોલીસનું સર્ચ ઓપરેશન

મુંબઈ -        નાસિકમાં આઈટી કંપની ટીસીએસમાં મહિલા કર્મચારીઓના જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના કેસમાં   ફરાર એચઆર મેનેજર  નિદા ખાન દિલ્હી વિસ્ફોટમાં સામેલ આતંકીઓના સંપર્કમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. નાસિકમાં યોજાઈ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીન હવે આ કેસમાં એટીએસ પણ એક્ટીવ બની છે. 

     ટીસીએસ નાશિક કેસમાં ફરાર એચઆર મેનેજર નિદા ખાન હાલમાં ભિવંડીમાં છુપાયેલી હોવાની ચર્ચા થઈ રહી છે.તેનો દિલ્હી વિસ્ફોટના ડા. શાહીન સાથે સંબંધ હોવાની શંકા છે. તેને લીધે  હવે આ રાષ્ટ્રીય સુરક્ષાનો પણ કેસ બની ગયો છે. પોલીસ વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. 

    નાસિકના આ  કેસની તપાસ હવે એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ને સોંપવામાં આવી છે.એટીએસની એક ટીમ નાસિક શહેરમાં પહોંચી  છે.અહીં  એક અધિકારી અને ત્રણ કર્મચારીઓએ તપાસ શરૃ કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓએ બહુરાષ્ટ્રીય કંપનીઓમાં બનતી ઘટનાઓની ગંભીર નોંધ લીધી છે. નાસિક શહેર પોલીસ ફરિયાદીઓ પાસેથી આ અંગે માહિતી લેશે.એટીએસ પોતે આરોપીઓની પૂછપરછ કરશે. આ ગુનાની તપાસ માટે સીડીઆર  રિપોર્ટ મહત્વપૂર્ણ રહેશે.

      પોલીસે આ સંદર્ભમાં નવ કેસ નોંધ્યા છે. સાત પુરુષો અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. બે મહિલા આરોપીઓની ભૂમિકા સમજાવતા નાસિક પોલીસ કમિશનર સંદીપ કણકે  અગાઉ જણાવ્યું હતું કે યુનિટના ઓપરેશન્સ અને એચઆર વડાએ કથિત રીતે પીડિતાને ફરિયાદ નોંધાવવાથી અટકાવી  હતી. તેમજ આવી ઘટનાઓ બનતી રહે છે એમ કહીને અને આરોપીઓનો પક્ષ લીધો હતો.

   આરોપીઓ માટે કોઈ આતંકી  સંગઠન અથવા વિદેશથી ભંડોળની સંડોવણીના અહેવાલોના જવાબમાં પોલીસ કમિશનરે કહ્યું કે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને પોલીસે સીઆઇડી એટીએસ, એનઆઈએને પત્ર લખ્યો છે. અમને પુરાવા મળશે  ત્યારે અમે તેના વિશે કોઈ નિષ્કર્ષ પર આવી શકીશું.

     તેમણે જણાવ્યું હતું કે પોલીસે નોંધેલા નવ કેસોમાં કંપનીના એક પુરુષ કર્મચારી દ્વારા નોંધાયેલી ફરિયાદનો સમાવેશ થાય છે.જેમાં કાર્યસ્થળ પર ધર્મ પરિવર્તનનો પ્રયાસ અને  ઉત્પીડનનો આરોપ મૂકવામાં આવ્યો છે.

    આ અઠવાડિયાની શરૃઆતમાં પોલીસે આઠ મહિલા કર્મચારીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદોની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (એસઆઈટી) ની રચના કરી હતી.    આરોપીઓની ઓળખ દાનિશ શેખ, તૌસિફ અત્તાર, રઝા મેમણ, શાહરૃખ કુરેશી, શફી શેખ, આસિફ આફતાબ અંસાર અને શાહરૃખ શેખ તરીકે થઈ છે.