Mumbai

આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિન્ડિકેટ ચલાવનાર મુખ્ય સુત્રધારની ધરપકડ

By GS Team
14 Jun 20262 mins read
આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સિન્ડિકેટ  ચલાવનાર મુખ્ય સુત્રધારની ધરપકડ

સીબીઆઈ દ્વારા મુંબઈ એરપોર્ટ પર કાર્યવાહી

 દુબઈ અને થાઈલેન્ડથી  ઓપરેટર કરતો   આરોપી  દેશનિકાલ બાદ બેંગકોકથી પકડાયો

મુંબઈ  -  પિંપરી ચિંચવડ સાયબર પોલીસે દુબઈ અને થાઈલેન્ડથી આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી નેટવર્કના માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી હતી. ઈન્ટરપોલની રેડ  કોર્નર નોટિસ અને લુકઆઉટ નોટિસની મદદથી સીબીઆઈએ થાઈલેન્ડના બેંગકોક એરપોર્ટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારબાદ તેને દેશમાં પરત લાવવામાં આવ્યો હતો.  આરોપી મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં નોંધાયેલા ઓનલાઈન છેતરપિંડી, શેરબજાર રોકાણ કૌભાંડો અને અન્ય સાયબર ગુનાઓ સંબંધિત અનેક કેસોમાં ફરાર હતો.

અધિકારીઓના જણાવ્યા અનુસાર,દેહુ રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઓનલાઈન ટાસ્ક ફ્રોડ કેસની તપાસ દરમિયાન આ આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટનો પર્દાફાશ થયો હતો. તપાસ દરમિયાન પોલીસેં ૧૩ શંકાસ્પદોની ધરપકડ કરી હતી. જેથી તપાસમાં જાણવા મળ્યું કે સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર સાંગલીનો રહેવાસી ગણેશ કાલે દુબઈથી સંપૂર્ણ નેટવર્ક ચલાવી રહ્યો હતો.

તપાસ દરમિયાન બહાર આવેલી માહિતી અનુસાર, આરોપી ભારતીય નાગરિકો પાસેથી તેમના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ચેકબુક અને ઇન્ટરનેટ બેંકિંગ વિગતો મેળવતો હતો.  જેના બદલામાં આરોપી તે વ્યક્તિઓને પૈસા આપતો હતો અને આ ખાતાઓનો ઉપયોગ સાયબર છેતરપિંડીમાંથી મેળવેલા ભંડોળને વાળવા માટે કરવામાં આવતો હતો.

સાયબર પોલીસની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ગણેશ કાલેએ દુબઈમાં પોતાની ઓફિસ બનાવી છેે.ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે તેના ચીન સહિત અન્ય વિદેશી નાગરિકો સાથે સીધા સંબંધો હતા. તેના પર ટાસ્ક ફ્રોડ, નકલી શેરબજાર રોકાણ યોજનાઓ અને ડિજિટલ ધરપકડ જેવા વિવિધ પ્રકારના સાયબર ગુનાઓ દ્વારા નાગરિકો સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી કરવાનો આરોપ હતો.

તપાસમાં હિંજેવાડીમાં રુ. ૧૮ લાખ અને સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૨.૬૬ કરોડના સાયબર છેતરપિંડીના કેસમાં પણ તેની સંડોવણી બહાર આવી હતી. તે સપ્ટેમ્બર ૨૦૨૫માં દુબઈથી બેંગકોક ભાગી ગયો હતો. જોકે, પોલીસના સાવચેતીભર્યા આયોજનને કારણે અંતે ગણેશ કાલે બેંગકોકમાં પકડાઈ ગયો હતો. આ બાદ ૧૧ જૂનના રોજ મુંબઈ એરપોર્ટ પર સહાયક પોલીસ નિરીક્ષકની સાયબર પોલીસ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પૂછપરછથી મહારાષ્ટ્ર અને દેશમાં ઘણા મોટા સાયબર ગુનાઓનો ઉકેલ આવવાની શક્યતા છે.