Mumbai

ઉચ્ચ શિક્ષિત પત્ની ભરણપોષણને પાત્ર નથી તેવી દલીલ ખોટીઃ હાઈકોર્ટ

By GS Team
22 May 20262 mins read
ઉચ્ચ શિક્ષિત પત્ની ભરણપોષણને પાત્ર નથી તેવી દલીલ ખોટીઃ હાઈકોર્ટ

આજકાલ ડિગ્રીધારી પણ બેરોજગાર જ હોય છે

એમએ થયેલી પત્ની કમાઈ શકે તેમ હોવાથી તેને ભરણપોષણ ન મળે તેવી પતિની અરજી કોર્ટે ફગાવી

મુંબઈ - બોમ્બે  હાઈકોર્ટની નાગપુર બેન્ચે એવો ચુકાદો આપ્યો છે કે ઉચ્ચ બેરોજગારીના યુગમાં જ્યારે કોઈ મહિલા પાસે નોકરી ન હોય ત્યારે તેની ઉચ્ચ શૈક્ષણિક લાયકાતનેં ટાંકીને તેને ભરણપોષણ નકારી શકાય નહિ.

ન્યાયાધીશ ઉમલા જોશી ફાળકે સેન્ટ્રલ રેલ્વેના એક લોકો પાઇલટ દ્વારા દાખલ કરાયેલી ફેમિલી કોર્ટના આદેશને પડકારતી ફોજદારી સમીક્ષા અરજીની સુનાવણી કરી રહ્યા હતા.  ફેમિલી કોર્ટ દ્વારા  તેમની અલગ રહેતી અનુસ્નાતક પત્ની અને તેમની સગીર પુત્રીને ભરણપોષણ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

પતિએ દલીલ કરી હતી કે  એમએ થયેલી પત્ની કમાઈ શકવા માટે સક્ષમ હોવાથી તેને ભરણપોષણનો અધિકાર નથી.

કોર્ટે આ દલીલને ફગાવી દીધી અને અવલોકન કર્યું હતું કે કે ઉચ્ચ ડિગ્રી ધારકો પણ આજકાલ બેરોજગાર છે.વર્તમાન યુગમાં બેરોજગારી છે. ઉચ્ચ પદવી, વિશેષતા પ્રાપ્ત કરનાર વ્યક્તિ પણ નોકરી મેળવી શકતી નથી. તેથી ફક્ત  અનુસ્નાતક હોવાના કારણે તે પોતાનું ગુજરાન ચલાવી શકે છે તેમ માની શકાય નહિ.

ન્યાયાધીશ જોશીએ શોધી કાઢયું કે પતિની આવક વધીને દર મહિને લગભગ  ૮૫,૦૦૦ થઈ ગઈ છે જ્યારે પત્ની પાસે કોઈ રોજગાર નથી. આમ કોર્ટે પતિને ઓક્ટોબર ૨૦૧૭થી ડિસેમ્બર ૨૦૨૦ સુધી પત્નીને દર મહિને  રૃ.૧૦,૦૦૦ અને પુત્રીને દર મહિને  રૃ.૫,૦૦૦ અને જાન્યુઆરી ૨૦૨૧ થી અનુક્રમે રૃ.૧૨,૦૦૦ અને રૃ.૭,૦૦૦ ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.  અગાઉના કેસમાં આપવામા ૧૫,૦૦૦ ચૂકવવાનો આદેશ અપાયો હતો.