Mumbai

અનિતા અડવાણીને રાજેશ ખન્નાની કાયદેસરની પત્નીનો દરજ્જો આપવા ઈન્કાર

By GS Team
2 Apr 20262 mins read
અનિતા અડવાણીને રાજેશ ખન્નાની કાયદેસરની પત્નીનો દરજ્જો આપવા ઈન્કાર

નીચલી અદાલતના ચુકાદા સામેની અપીલ હાઈકોર્ટે ફગાવી

અનિતાએ અગાઉ ટ્વિંકલ તથા અક્ષય ખન્નાએ પોતાને આશીર્વાદ બંગલામાંથી કાઢી મૂકી હોવાનો પણ કેસ કર્યો હતો

મુંબઈ -  દિવંગત સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથેના પોતાના સંબંધને લગ્ન જેવી માન્યતા આપવાની દાદ માગતી અભિનેત્રી અનિતા અડવાણીની અપીલને બોમ્બે હાઈ કોર્ટે ફગાવી દીધી છે.

અગાઉ અનિતાએ કરેલા સિવિલ કેસને  દિંડોશીને સેશન્સ કોર્ટે ફગાવ્યો હતો. આ આદેશને  અનિતા અડવાણીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, તેની  અપીલ ન્યા. શર્મિલા દેશમુખે ફગાવી હતી.

૨૦૧૭માં દિંડોશી સિવિલ કોર્ટે અડવાણીનો કેસ ટેક્નિકલ કારણસર ફગાવ્યો હતો. અડવાણીના વકીલ તેમ જ ડિમ્પલ કાપડિયા, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના વકીલોની દલીલો સાંભળ્યા બાદ હાઈ કોર્ટે આજે અપીલ ફગાવી હતી. ચુકાદાની વિગતવાર માહિતી ઉપલબ્ધ થઈ નથી. 

અનિતા અડવાણી વર્ષોથી દાવો કરી રહી છે કે રાજેશ ખન્ના સાથે પોતે વર્ષો સુધી પત્નીની જેમ સાથે રહી હતી. તેણે રાજેશ ખન્નાની પ્રોપર્ટીમાં હક્ક હિસ્સા માટે ડિમ્પલ અડવાણી સામે ૨૦૧૨થી સંખ્યાબંધ કેસ કર્યા છે. 

અડવાણીએ  ડિમ્પલ કાપડિયા, અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના સામે બાંદરા મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસાનો આરોપ કરીને ફોજદારી ફરિયાદ પણ નોધાવી હતી. જેમાં તેણે દાવો કર્યો હતો કે ખન્નાના મૃત્યુ બાદ તેમના બંગલો આશીર્વાદમાંથી પોતાને બહાર કાઢી મૂકવામાં આવી હતી. 

૨૦૧૫માં હાઈકોર્ટની સંકલન બેન્ચે  ટ્વિંકલ તથા અક્ષય કુમાર કેસ રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે અડવાણીના ખન્ના સાથેના સંબંધો ઘરેલુ હિંસા કાયદા હેઠળ લગ્ન  જેવા ગણી શકાય નહીં.