Mumbai

તમિલનાડુના સીએમના નામે ક્લિપ મોકલી વૃદ્ધાના ૧૨ લાખ પડાવાયા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: નાલાસોપારાની 66 વર્ષીય વૃદ્ધા સાથે AI ક્લિપ દ્વારા 12 લાખની ઠગાઈ થઈ છે. થલપતિ વિજયની નકલી વિડિયો ક્લિપનો ઉપયોગ કરીને, ગરીબોને સહાયના બહાને મહિલાને ફસાવવામાં આવી. પ્રોસેસિંગ ફી, ટેક્સ અને અન્ય ચાર્જના નામે દાગીના વેચી, લોન લઈ અને બેંક ખાતું ખાલી કરાવી 12 લાખ પડાવી લેવાયા. વાલિવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમિલનાડુના સીએમના નામે   ક્લિપ મોકલી વૃદ્ધાના ૧૨ લાખ પડાવાયા

થલપતિ વિજય દ્વારા સહાયની એઆઈક્લિપ મોકલી ઠગાઈ

નાલાસોપારાની મહિલાએ પ્રોસેસિંગ ફી સહિતના પૈસા ભરવા  દાગીનાં વેચ્યાં, લોન લીધી,  બેન્ક  ખાતું પણ ખાલી કર્યું

મુંબઈ -  આટફિશિયલ ઇન્ટેલિજન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિની નકલી વિડિયો ક્લિપના માધ્યમથી વસઈની એક ૬૬ વર્ષીય વૃદ્ધ મહિલા સાથે ૧૨ લાખ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ગરીબ અને જરૃરિયાતમંદ લોકોને નાણાકીય સહાય આપવાનો દાવો કરતી આ નકલી ઇન્સ્ટાગ્રામ રીલના આધારે મહિલા સાયબર ઠગોના જાળમાં ફસાઈ ગઈ હતી. આ મામલે વાલિવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને માહિતી ટેકનોલોજી અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ફરિયાદી મહિલા વસઈ પૂર્વ વિસ્તારમાં રહે છે. ગત ૨૭ જુલાઈના રોજ મહિલાએ ઇન્સ્ટાગ્રામ પર તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિની એક રીલ જોઈ હતી. આ રીલમાં ગરીબ અને જરૃરિયાતમંદ લોકોને નાણાકીય સહાય આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને મદદની જરૃર હોય તેવા લોકોએ સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

પછીથી જાણવા મળ્યું હતું કે આ રીલ સંપૂર્ણપણે નકલી હતી અને એઆઈનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી હતી. મહિલાએ રીલમાં આપવામાં આવેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સાયબર ઠગોએ તેને અન્ય એક નંબર આપીને તે વ્યક્તિ સાથે વાત કરવા જણાવ્યું હતું. મહિલાએ આરોપીઓને જણાવ્યું હતું કે તેને પાંચ લાખ રૃપિયાની જરૃર છે. ઠગોએ તેને નાણાકીય સહાય અપાવવાના બહાને શરૃઆતમાં પ્રોસેસિંગ ફી તરીકે પાંચ રૃપિયા ભરવા જણાવ્યું હતું. મહિલા તેમના વિશ્વાસમાં આવી ગયા બાદ ઠગોએ તેને ૭૭ લાખ રૃપિયાની નાણાકીય સહાય મળશે તેવી લાલચ આપી હતી.

આ સહાયની રકમ વિદેશથી મોકલવામાં આવશે અને તેના માટે કર તથા અન્ય ચાર્જ ભરવા પડશે તેમ કહીને સાયબર ગુનેગારોએ મહિલાને વારંવાર પૈસા મોકલવા દબાણ કર્યું હતું. સહાયની મોટી રકમ મળવાની આશામાં મહિલા ઠગોના જાળમાં વધુ ફસાતી ગઈ હતી.

પૈસાની વ્યવસ્થા કરવા માટે મહિલાએ એક ખાનગી ક્રેડિટ યુનિયન પાસેથી લોન લીધી હતી. ઉપરાંત, તેણે પોતાના ઘરેણાં ગીરવે મૂક્યા હતા અને પરિવારની યુવતીના બેંક ખાતામાંથી પણ રકમ ઉપાડી હતી. ત્યારબાદ સાયબર ઠગોએ જણાવેલા અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ૧૨ લાખ રૃપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ચોંકાવનારી બાબત એ છે કે આ સમગ્ર છેતરપિંડી માત્ર ૧૦ દિવસના સમયગાળામાં થઈ હતી. છેવટે પોતે છેતરપિંડીનો ભોગ બની હોવાનું સમજાતાં મહિલાએ વાલીવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.