Mumbai

મુંબઇમાં મચ્છરોનાં રોજનાં સરેરાશ ૧૦૦૦થી વધુ બ્રીડિંગ સ્પોટ મળ્યાં

By GS Team
29 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ડેંગ્યૂ-મલેરિયાના વધતા કેસોને લઈ BMCએ ઝુંબેશ ચલાવી હતી. સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં 5.94 લાખ ઘરોનો સર્વે કરાયો, જેમાં 27.93 લાખ લોકોને આવરી લેવાયા. આ દરમિયાન 2097 ડેંગ્યૂ-મલેરિયા અને 14 ચિકનગુનિયાના કેસ નોંધાયા. 15,143 બ્રીડિંગ સ્પોટ મળ્યા, જેનો નાશ કરાયો. BMCએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇમાં  મચ્છરોનાં રોજનાં સરેરાશ  ૧૦૦૦થી વધુ બ્રીડિંગ સ્પોટ મળ્યાં

ડેંગ્યૂ મલેરિયાના ૨૧૦૦ કેસ

સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં બીએમસીએ ઝુંબેશ ચલાવી ઃ લગભગ ૬ લાખ ઘરોનો સર્વે

મુંબઇ  -  મુંબઇમાં મલેરિયા, ડેંગ્યૂ અને તાવના વધતા જતા કેસને ધ્યાનમાં લઇ મુંબઇ મહાનગર પાલિકાએ હાથ ધરેલી મચ્છર વિરોધી ઝુંબેશ હેઠળ સપ્ટેમ્બરના પહેલા પખવાડિયામાં  ડેન્ગ્યૂ અને મલેરિયાના મચ્છરોના ૧૫,૧૪૩ બ્રીડિંગ સ્પોટ મળી આવ્યા હતા. આમ દરરોજ એક હજારથી વધુ બ્રીડિંગ સ્પોટ મળ્યા હોવાનું બીએમસીના આરોગ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર  મહિનાના પહેલા ૧૫ દિવસમાં મલેરિયા  અને ડેંગ્યૂના ૨૦૯૭ અને ચિકનગુનિયાના ૧૪ કેસ નોંધાયા હતા. બીએમસીએ આ ઝુંબેશ હેઠળ ૫.૯૪ લાખ ઘરોનો સર્વે કર્યો હતો જેમાં ૨૭.૯૩ લાખ  લોકોને આવરી  લેવામાં આવ્યા હતા. જે ઘરમાં મલેરિયા અને ડેંગ્યૂના કેસ મળ્યા તેના પાડોશીઓનું પણ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. ૩૨૧૧૪ સંદિગ્ધ લોકોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

બીએમસીની જુદી જુદી ટુકડીઓ દ્વારા ઘરોના સર્વે વખતે પાણીના ડ્રમ, ટાયર, ભંગાર સામાન, ડિસ્પોઝેબલ પ્લેટ, ફેંગશૂઇ પ્લાન્ટ્સ, પાણીની ટાંકી, તળાવ અને કૂવાની જાંચ કરવામાં આવી હતી. આમાં ડેંગ્યૂના ૧૧,૭૭૬ અને મલેરિયાના ૩૩૬૭ બ્રીડિંગ સ્પોટ મળી આવ્યા હતા.

બી.એમ.સી.ના જંતુનાશક વિભાગ તરફથી મચ્છરોનો નાશ કરવા માટે ૨૦,૭૧૩ મકાનોમાં ફોંગિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ૩.૨૧ લાખ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.

આરોગ્ય વિભાગે ઘરમાં મચ્છરો ન થાય તેનું ધ્યાન રાખવાની તેમજ પાણી ભરીને ન રાખવાની લોકોને સલાહ આપી છે.

શ્વાન અને ઊંદરના મળમૂત્રથી ફેલાતી લેપ્ટોસ્પાયરોસિસની બીમારી કાબૂમાં લેવા માટે પખવાડિયામાં ૧,૩૯૦ ઊંદરોને મારવામાં આવ્યા હતા. વરસાદનું પ્રમાણ ઘટતા લેપ્ટોની બીમારીનું પ્રમાણ પણ કાબૂમાં આવી ગયું છે. ૧૫ દિવસમાં લેપ્ટોના માત્ર ૧૩ કેસ નોંધાયા હતા.