કુર્લામાં ઘરમાં જ પ્રસૂતિ બાદ એમ્બ્યુલન્સ ન મળીઃ પ્રસૂતાને ઝોળીમાં લઈ જવાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામો જેવી હાલત કુર્લામાં સર્જાઈ
૧૦૮ને કોલ કર્યો પરંતુ લાંબા સમય સુધી આવી નહીં ઃ હાલત વણસતાં છેવટે કપડાંની ઝોળી બનાવીઃ તપાસના આદેશો
મુંબઇ - મહારાષ્ટ્રના પાલઘર સહિતના આદિવાસી દુર્ગમ વિસ્તારોમાં રસ્તાને અભાવે એમ્બ્યુલન્સ પહોંચી શકતી ન હોવાથી બીમારોને અથવા સગર્ભાઓને કપડાની ઝોળીમાં ઉપાડીને હોસ્પિટલો સુધી પહોંચાડવામાં આવતા હોય છે. પરંતુ ગ્રામવિસ્તારમાં નહીં દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બનેલી ચોંકાવનારી ઘટનાને પગલે ઝડપી આરોગ્ય સેવાના મોટા મોટા દાવા પોકળ સાબીત થયા છે.
કુર્લાના બેલ બજારમાં રહેતી અંજલી પવાર નામની સગર્ભાને પ્રસૂતિ પીડા ઉપડી હતી અને થોડી વારમાં ઘરમાં જ પ્રસૂતિ થઇ હતી. તેની તબિયત બગડતા સારવાર માટે તાત્કાલિક મેટરનીટી હોસ્પિટલમાં લઇ જવા માટે પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો. પરંતુ ઘણી વાર સુધી રાહ જોયા પછી પણ એમ્બ્યુલન્સ ન આવતા અને બીજું કોઇ વાહન પણ ન મળતા પરિવારજનોએ ચાદરની એક ઝોળી બનાવી હતી અને એમાં પ્રસૂતાને ઉપાડીને ૩૦૦ મીટરના અંતરે આવેલા મેટરનીટી હોસ્પિટલમાં લઇ ગયા હતા. આ દરમ્યાન પ્રસૂતાનું બ્લિડિંગ સતત ચાલું જ હતું.
આ બાબત ફરિયાદ કરવામાં આવ્યા પછી મુંબઇ મહાનગર પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ હરીશ ભાંદિર્ગે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને આ પ્રકરણમાં તપાસનો આદેશ આપ્યો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ જ્યારે અંજલી પવારની ઘરમાં જ ડિલિવરી થઇ ગઇ ત્યારે આસપાસના કેટલાક લોકો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ફરજ પરના ડોકટરને વિનંતી કરી હતી કે ઘરે આવીને પ્રસૂતાનો રક્તસ્ત્રાવ બંધ થાય એ માટે ઇલાજ કરો પરંતુ ડૉકટરે જણાવ્યું હતું કે તેમને હોસ્પિટલની બહાર જવાની પરવાનગી નથી એટલે મહિલાને મેટરનીટી હોસ્પિટલમાં જ લઇ આવવી પડશે. આ સંદર્ભમાં હોસ્પિટલના અધિકારીએ એવી સ્પષ્ટતા કરી હતી કે મહિલાને હોસ્પિટલમાં લાવી ઓપરેશન થિયેટરમાં જ ઉપચાર કરવાની જરૃર હતી. એટલે ઘરે જઇને કોઇ સારવાર પૂરી પાડવાનું શક્ય નહોતું.




