તોફાની પવનની આગાહીને પગલે તમામ બાંધકામ સાઈટસ પર એલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પાલખ-લિફ્ટની કામગીરી બંધ કરવા આદેશ
ક્રેઈનની સુરક્ષા, કન્સ્ટ્ર્કશન લિફ્ટનો સામાન હટાવવા પગલાં ભરવા તાકીદ
મુંબઈ - મુંબઈ અને મહાનગર વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ પ્રતિ કલાક ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા તીવ્ર પવનોને પગલે સંભવિત અકસ્માતો અને જાનહાનિ અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ બાંધકામ સાઇટ્સ પર હાઈ એલર્ટ જાહેર કર્યું હતું.
મહાપાલિકા દ્વારા બિલ્ડરો, આકટેક્ટ્સ, લાઇસન્સપ્રાપ્ત સર્વેયરો, કોન્ટ્રાક્ટરો, પ્રોજેક્ટ મેનેજરો અને બાંધકામ સાથે સંકળાયેલા તમામ એન્જિનિયરોને સુરક્ષા નિયમોનું અનિવાર્યપણે પાલન કરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે.
મહા પાલિકાએ તમામ બાંધકામ સ્થળો પર તાત્કાલિક સુરક્ષા તપાસ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. સ્કેફોલ્ડિંગ, મચાન, ફોર્મવર્ક, ટીનના પતરાં, કમ્પાઉન્ડ વોલ, ટાવર ક્રેન પરનો સામાન તેમજ અન્ય તમામ કામચલાઉ માળખાં સંપૂર્ણપણે મજબૂત અને સુરક્ષિત છે તે ફરજિયાતપણે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. આ ઉપરાંત ઇમારતોના ટેરેસ, ઉપરના માળ અને ઊંચા પ્લેટફોર્મ પર પડેલો ખુલ્લો સામાન તાત્કાલિક હટાવી દેવા અથવા મજબૂત રીતે બાંધી દેવાનો નિર્દેશ આપવામાં અપાયો હતો.
ખોદકામ કરાયું હોય તેવી જગ્યાએ ખાસ સલામતીનાં પગલાં ભરવાં અને તે ઉપરાંત ટાવર ક્રેન, મટિરિયલ હોઇસ્ટ, કન્સ્ટ્રક્શન લિફ્ટ, સેફ્ટી નેટ અને અન્ય લિફ્ટિંગ સાધનોની તકનિકી ચકાસણી કરવા તથા તીવ્ર પવન ફૂંકાવાના સંજોગોમાં પાલખ કે લિફ્ટિંગ ઓપરેશન બંધ કરવા જણાવાયું હતું.




