Mumbai

ભારતમાં 37 ટકા એન્ટ્રી લેવલ નોકરીઓમાં AIનો ઉપયોગ વધ્યો

By GS Team
19 Jun 20261 min read
ભારતમાં 37 ટકા એન્ટ્રી લેવલ નોકરીઓમાં AIનો ઉપયોગ વધ્યો

- બે જાણીતી કંપનીઓના અભ્યાસનું તારણ

- આગામી પાંચ વર્ષમાં ફ્રેશર્સનું કામ બદલાશે : ડિગ્રી કરતા એઆઈ ટૂલ્સની આવડત મહત્ત્વની બનશે 

મુંબઈ : એક સમય હતો જ્યારે એઆઈને ભવિષ્યની ટેકનોલોજી માનવામાં આવતું. આજે સ્થિતિ એવી છે કે, ઓફિસોમાં રોજિંદા કામકાજથી લઈને કોડ લખવા, રિપોર્ટ તૈયાર કરવા અને ડેટા એનાલિસીસ સુધીના તમામ કામો માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એઆઈનો સૌથી મોટો પ્રભાવ એન્ટ્રી-લેવલની નોકરીઓ પર જોવા મળી રહ્યો છે. 

બે જાણીતી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર, ભારતમાં એન્ટ્રી-લેવલના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા લગભગ ૩૭ ટકા કામો હવે એઆઈથી થઈ રહ્યા છે. આ આંકડો વિશ્વની એવરેજ ૩૩ ટકા કરતા વધુ છે. જે દર્શાવે છે કે, એઆઈ અપનાવવાની બાબતમાં ભારત વિશ્વના ઘણા દેશોથી આગળ છે. 

ભારત, અમેરિકા અને બ્રિટનની ૧,૦૦૦થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓના ૭૫૦ સિનિયર એચઆર મેનેજર્સનું માનવું હતું કે, આગામી વર્ષોમાં ફેશર્સની ભૂમિકા બદલાશે. અત્યાર સુધી નવા કર્મચારીઓ જે કામો કરતા જેમ કે, ડેટા એકત્ર કરવો, દસ્તાવેજો તૈયાર કરવા તેમાંથી ઘણા કામો એઆઈ કરી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં એન્ટ્રી લેવલ કર્મચારીઓનું કામ એઆઈ ટૂલ્સ સાથે કામ કરવાનું રહેશે. 

નિષ્ણાતોના મતે, આવનારા સમયમાં માત્ર ડિગ્રી પૂરતી નહીં રહે. એઆઈનો ઉપયોગ કરવાની સમજ, ડેટા સાથે કામ કરવાની ક્ષમતા, નવી ટેકનોલોજી ઝડપથી શીખવાની આવડત અને ક્રિએટિવ વિચારશક્તિ મહત્વની બનશે.